રિપોર્ટ@રાજકોટ: 'ધ ગીર ગેટ વે રિસોર્ટ'માં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત નીપજ્યું
તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાથી એક દૂ:ખદ ઘટના સામે આવી છે. રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની છે. સાસણ નજીક આવેલા 'ધ ગીર ગેટ વે રિસોર્ટ'માં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-8ના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢી તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબ ડો. ઉર્જાએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાલાલા દોડી આવ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં જ્યારે માતા-પિતાએ પોતાના લાડકવાયા દીકરાનો મૃતદેહ જોયો ત્યારે તેમના હૈયાફાટ રૂદનથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી. "દીકરા ઊભો થા.. જો પપ્પા આવી ગયા" - પિતાના આ શબ્દોએ પથ્થર દિલના માણસને પણ હચમચાવી દીધો હતો. હાર્દિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
મૃતક હાર્દિકના પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારનું કહેવું છે કે, આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં શિક્ષકોએ સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રાખ્યું? હોસ્પિટલ ખાતે જ્યારે શિક્ષકો સામે આવ્યા ત્યારે મૃતકના મામાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેઓ શિક્ષકોને મારવા દોડ્યા હતા, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો.
ઘટનાની ગંભીરતા જોતા વિસાવદર ACP રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. મૃતકના પિતાએ હાથ જોડીને પોલીસ પાસે માંગ કરી છે કે રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે કે તેમનો પુત્ર પૂલમાં કેવી રીતે પહોંચ્યો અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય.
બાળક સગીર હોવાથી મામલતદારની હાજરીમાં તેના શરીરનું નિરીક્ષણ કરી પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના બાદ સ્કૂલે પ્રવાસ ટૂંકાવી દીધો છે અને અન્ય વિદ્યાર્થીઓને બસ મારફતે રાજકોટ પરત મોકલી દેવામાં આવ્યા છે. હાલ તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

