રિપોર્ટ@કચ્છ: કાર-ટેમ્પોની ટક્કર બાદ અચાનક બ્લાસ્ટ થયો, 2ના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતની જાણ કરતાં 108, પોલીસકાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
 
રિપોર્ટ@કચ્છ: કાર-ટેમ્પોની ટક્કર બાદ અચાનક બ્લાસ્ટ થયો, 1 બાળક અને ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કચ્છના ભચાઉમાં 4 વાહન વચ્ચે અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે, જેમાં 1 વર્ષના બાળક અને એક ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે વાહનોમાં આગ ભભૂકી હતી.

આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ભચાઉ નજીક આવેલા કેસરી ગઢ રિસોર્ટ સામે રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ધકાડાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. એમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડથું થઇ ગયું છે, જ્યારે પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી છે.

કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતાં બે ટ્રેલર પણ આ અકસ્માત ગ્રસ્ત વાહનો સાથે અથડાયાં હતાં, જેમાં એક ટ્રેલરચાલકનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસકાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે 108 દ્વારા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડ્યું છે, જ્યાં હજી દંપતીને બાળકના મોત અંગે જાણ નથી. જ્યારે પોલીસે મૃતકોને પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.