રિપોર્ટ@સુરત: 108એ ટક્કર મારતા બાળકી ફંગોળાઈ, જાણો સમગ્ર બનાવ

એમ્બ્યુલન્સ સાથે બાળકીની ટક્કર થઈ હતી તે જ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી
 
રિપોર્ટ@સુરત: 108એ ટક્કર મારતા બાળકી ફંગોળાઈ, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે-દિવસે ખુબજ વધી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી 108 એમ્બ્યુલન્સ અડફેટે સાઇકલ સવાર બાળકી આવી જતા 20 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ હતી. જેથી તેણીને સામાન્ય ઈજા પહોંચી હતી. જે એમ્બ્યુલન્સ સાથે બાળકીની ટક્કર થઈ હતી તે જ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

અડાજણ વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ પાસેથી 108 એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી ત્યારે જ રોડ ક્રોસ કરી રહેલી એક સાઇકલ સવાર વિદ્યાર્થિની અડફેટે આવી જતા વિદ્યાર્થિની 20 ફૂટ ફંગોળાઈ હતી. સદનસીબે વિદ્યાર્થિનીના ખભા પર બેગ હોવાના કારણે વધુ ઈજા થઈ ન હતી. અકસ્માતના પગલે રસ્તા પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

10 વર્ષીય સાઇકલ સવાર વિદ્યાર્થિનીનો જે 108 સાથે અકસ્માત થયો હતો તેમાં જ તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સદનસીબે અકસ્માતમાં બાળકીનો બચાવ થતા અને તાત્કાલિક સારવાર મળતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અડાજણ વિસ્તારમાં શનિવારે સર્જાયેલા આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, જ્યારે એમ્બ્યુલન્સ પૂરપાટ ઝડપે આવી રહી છે ત્યારે જ રોડ ક્રોસ કરી રહેલી વિદ્યાર્થિની અડફેટે આવી જતા સાઇકલ સહિત હવામાં ફંગોળાઈ જાય છે અને બાદમાં લોકો દોડી આવે છે. આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે.