રિપોર્ટ@સુરત: કોંગ્રેસના 2 નેતા આમને-સામને આવી ગયા અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી

ઇદ-એ મિલાદના જુલુસને લઈ સો. મીડિયામાં કોમેન્ટ કરનાર પૂર્વ કોર્પોરેટર સહિત 11 સામે વોર્ડ પ્રમુખે ફરિયાદ નોંધાવી

 
રિપોર્ટ@સુરત: કોંગ્રેસના 2 નેતા આમને-સામને આવી ગયા અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક બાબતોના કારણે વિરોધ જોવા મળતો હોય છે. સુરતમાં કોંગ્રેસના જ બે નેતા આમને-સામને આવી ગયા છે અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગઈ છે. ઈદ-એ મિલાદના જુલુસને રાજમાર્ગ પર ન કાઢવાના નિર્ણયનો સોશિયલ મીડિયા પર ઉશ્કેરની જનક મેસેજ અને કોમેન્ટ કરનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિત 11 લોકો સામે કોંગ્રેસના 11 નંબરના વોર્ડ પ્રમુખ મુસ્તાક સિદ્દીક કાનુગાએ કોમી ઉશ્કેરણી ફેલાવવાની પોલીસ ફરિયાદ નોંઘાવી છે. આ મામલે પોલીસે છ લોકોની ધરપકડ પણ કરી છે અને અસલમ સાયકલવાલાની ધરપકડ બાકી છે. આ વચ્ચે અસલમ સાયકલવાલાએ એક વીડિયો જારી કરીને જણાવ્યું છે કે, આ રાજકીય પ્રેરિત પોલીસ ફરિયાદ હોવાનું જણાવી પોતાની સફાય આપી હતી.

સુરતના વિરયાવી બજાર વિસ્તારમાં ગત 8 સપ્ટેમ્બર, 2024ના ગણેશ મંડપમાં કાંકરીચાળા બાદ સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટનાને પગલે કોમી તંગદિલીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન 16 સપ્ટેમ્બરે ઇદ-એ મિલાદ અને 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન હોવાથી કોમી હિંસા ભડકે નહીં તે હેતુથી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જે અંતર્ગત મુસ્લિમ કોમની બે કમિટી ઈદ-એ-મીલાદુન્નબી અને સીરાતુન્નબી કમિટીના આગેવાનોએ સર્વાનુમતે ઈદ-એ-મિલાદનું સરઘસ કે જુલુસ શહેરના રાજમાર્ગ સહિતના મેઈન રોડ ઉપર નહીં લાવવા અને નાનુ અને સંક્ષિપ્ત એટલે કે, મહોલામાં જ ઉજવણી કરવા અપીલ કરી હતી.

આ વચ્ચે કેટલાક કટ્ટરવાદી તત્વોએ મુસ્લિમ સમાજની બંને કમિટીના નિર્ણયની વિરુદ્ધમાં ફેસબુક, વ્હોટ્સએપ સહિતના સોશ્યિલ મીડિયાના માધ્યમથી મેસેજ, કોમેન્ટ અને પોસ્ટ વગેરે થકી અભદ્ર ભાષામાં ઉશ્કેરણીજનક કૃત્ય કરી હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય અને કોમી હિંસા ભડકે તેવા સામાજીક અને ધાર્મિક આગેવાનોની બદનામી કરવા મુસ્લિમ વિરોધી હોવા અને સ્ટેજ ઉપર દેખાય તો ટપલી દાવ કરવા સહિતની ઉશકેરણીજનક કોમેન્ટ કરી હતી. જેને પગલે ખળભળાટ મચી ગયો હતો.

આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકના સભ્ય અને કોંગ્રેસના વોર્ડ નંબર 11ના પ્રમુખ મુસ્તાક સિદ્દીક કાનુગાએ તપાસ કરતા કોગ્રેંસના માજી કોર્પોરેટર અસલમ સાઈકલ ઉર્ફે અસલમ ફિરોઝ સાઇક્લવાલા દ્વારા સક્રિય ભૂમિકા ભજવી કોમવાદ ભડકાવવાના ઈરાદે ઈદ-એ-મીલાદની બી કમિટીના સભ્ય મૌહ્યુદીન કાદરીનો વિરોધ કરવા ઉશકેરણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે આ અંગે અસલમ સાઈકલાવાલા સહિત 11 વિરુદ્ધ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ફરિયાદના આધારે છ આરોપીની ધરપકડ કરી લીધી છે અને પાંચની ધરપકડ કરવાની બાકી છે. આ પાંચ શખસમાં અસલમ સાઈકલાવાલાનો પણ સમાવેશ થાય છે.

સુરત શહેર કોગ્રેંસ અગ્રણી અને માજી કોર્પોરેટર અસલમ ફિરોઝ સાયકલવાલા, સલમાન, લીયાકત સૈયદ, વસીમ, મુશાજી લુકમાન, રાજુકુરેશી, ઈરફાન મન્સુરી, મઝહર સૈયદ, સજ્જુ બાપુ અને સઈદ અચ્છા.

ઈન્ડિયન હીરો ગૃપમાં સલમાનસ જનત ખબર ન્યૂઝમાં લીયાકત સૈયદ ઉર્ફે બાપુ, સલીમ રાજા ગૃપ, સલાબતપુરા ગ્રુપ લોક સમસ્યામાં વસીમ, રોયલ ગ્રુપમાં મુશાજી લુકમાન, મંજુભાઈના સુરત ગૃપમાં રાજુકુરેશી અને ઈરફાન મન્સુરી, સૈયદ મઝહરે ફેસબુક આઈડી અને સઈદ અચ્છાએ ટિપ્પણી કરી હતી.

આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સૈયદપુરા હિંસાબાદ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી શાંતિ સમિતિની બેઠક મળી હતી. સમિતિમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું હતું કે, ઈદ જલુસ અને ગણેશ વિસર્જન આગળ પાછળની તારીખે આવતા મુસ્લિમ સમાજ દ્વારા ભાગળ વિસ્તારમાં મુખ્ય જુલુસ કાઢવામાં આવશે નહીં. સાથે શહેરની શાંતિ બનાવી રાખવામાં આવે. તેમના આ આવાહન વિરુદ્ધમાં અમુક તોફાની તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર કમિટીના સભ્યોને બદનામ કરવા માટે હિન્દુ- મુસ્લિમ અને મુસ્લિમ- મુસ્લિમ વચ્ચે વેમનશ્ય ફેલાય તે માટે કેટલાક કમેન્ટ કરવામાં આવ્યા હતા.

આ અનુસંધાને મુસ્તાક નામના વ્યક્તિએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. 11 વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધી હતી. હાલ અમે છ આરોપીની ધરપકડ કરી છે અને પાંચ આરોપીઓ બાકી છે. મુખ્ય આરોપી સંજુબાપુ જેની વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. ત્યારબાદ શહીદ અચ્છા કરીને છે અને અસલમ સાયકલવાલા તમામની પ્રવૃત્તિ- ઉશ્કેરણીજનક ભૂમિકા ફરિયાદમાં ઉલ્લેખ છે. આ તમામનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવશે. શહેરની શાંતિ બનાવી રાખવામાં જે કંઈ પણ પોલીસને કરવું પડે તમામ પ્રવૃત્તિઓ કરશે.

આ વચ્ચે કોંગ્રેસના નેતા અને આ કેસના આરોપી અસલમ સાયકલવાલાએ એક વીડિયો જારી કર્યો છે. જેમાં તે જણાવે છે કે, મારી વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે તે ફરિયાદ રાજકીય પ્રેરિત છે. ફરિયાદ દાખલ કરનાર મુસ્તાકભાઈ વોર્ડ નંબર 12ના અત્યારે હાલ વોર્ડ પ્રમુખ છે. 2021માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણી લડ્યા છે. જે રીતે મારું દિન પ્રતિદિન રાજકીય કદ વધી રહ્યું છે અને સમાજમાં લોકપ્રિયતા વધી રહી છે જેથી તેઓના પેટમાં દુખે તે સ્વાભાવિક છે. કોમી વૈમનસ્ય ફેલાય તે વાત તદ્દન ખોટી છે. અસલમ સાયકલ વાલાએ પોતાના જાહેર જીવનમાં કોમી વેમનસ્ય ફેલાય તેવું ક્યારેય બોલ્યો નથી. પોલીસને પણ મારી અપીલ છે કે, પુરાવા સાથે તપાસ કરો અને હું ગુનેગાર જણાવ તો ફાંસીએ ચડાવી દેજો.