રિપોર્ટ@સુરત: 2 વર્ષના બાળકના હાથમાં સ્ટિયરિંગ પકડાવ્યું, જીવ જોખમમાં મૂક્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વીડિયો વાઇરલ થયો છે. માત્ર દોઢ-બે વર્ષના બાળકને ઓટો રિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું અને તે બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો. જ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષાચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.
ફક્ત દોઢથી બે વર્ષના બાળકને રિક્ષા ચલાવવા આપી દીધી. જેને મજાક માનવામાં આવે છે અને રિક્ષાનું સ્ટિયરિંગ બાળકને આપવામાં આવ્યું હતું, તે મોટી દુર્ઘટના સર્જી શકે છે. વીડિયો વાઇરલ થયા બાદ હવે પોલીસ પણ નાના બાળકોને સ્ટિયરિંગ આપનાર રિક્ષાચાલકને શોધી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો આ વીડિયો શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાનું કહેવાય છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાછળ બેઠેલા યુવકે નાના બાળકને સામે એકલા છોડીને તેના હાથમાં સ્ટિયરિંગ આપ્યું છે. ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકે રિક્ષાને જોઈ, જેના કારણે તેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો.
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રિક્ષાનો નંબર સુરત શહેરનો છે, રિક્ષાની પાછળની સીટ પર એક માણસ બેઠો છે અને આગળની સીટ પર એક માસુમ બાળક બેઠું છે, જેની ઉંમર દોઢ કે બે વર્ષની આસપાસ હશે. જેવો જ પાછળ બેઠેલા વ્યક્તિએ બાઈકચાલકને વીડિયો બનાવતો જોઈ તુરંત આગળની સીટ પર બેસી જાય છે. રિક્ષાની શોધખોળ હવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, રિક્ષાના નંબરના આધારે અમે ડ્રાઇવરની શોધખોળ કરી રહ્યા છીએ અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.