રિપોર્ટ@સુરતઃ કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 3ના મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

ઘટનાને પગલે સમગ્ર પાંડેસરા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરાલા 3ના મોત નીપજ્યા હતા.સુરતના પાંડેસરા GIDCમાં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે. મિલના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકોને જોખમી કેમિકલ ટાંકી સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા. આ ગંભીર લાપરવાહીને કારણે બિહારના વતની એવા ત્રણ આશાસ્પદ શ્રમિક યુવાનોના ગૂંગળામણના કારણે ટપોટપ મોત નીપજ્યા છે, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર પાંડેસરા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

5 માર્ચને ગુરુવારે રાત્રે જ્યારે મિલમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી, ત્યારે ચાર શ્રમિકો વારાફરતી કેમિકલની ઊંડી ટાંકીમાં ઉતર્યા હતા. ટાંકીની અંદર ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોવાથી અને કેમિકલની તીવ્ર અસરોને કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. કોઈપણ સેફ્ટી માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર ન હોવાથી ગણતરીની મિનિટોમાં જ સોનુ, અંકિત, સંદીપ અને મહેન્દ્ર ગૂંગળાઈને ટાંકીની અંદર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ ભયાનક દૃશ્ય જોઈ મિલના અન્ય કર્મચારીઓમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી. તમામને સાવવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણના મોત નીપજ્યાં છે અને એક સારવાર હેઠળ છે.

આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં અંકિત કુમાર (ઉં.વ.19), સોનુ કુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાન (ઉં.વ.22)નો સમાવેશ થાય છે. માત્ર 19-22 વર્ષની નાની ઉંમરે કમાવવા આવેલા આ યુવાનોના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જ્યારે અમરેન્દ્ર કુમાર (ઉં.વ.23) હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.

મૃતક સંદીપ પાસવાનના લગ્નની શરણાઈઓ એપ્રિલ મહિનામાં વાગવાની હતી, પરંતુ તે પહેલાં જ તેના મોતની ખબર આવી પહોંચી. ઘરમાં લગ્નની ખરીદી અને આનંદનો માહોલ હતો, જે હવે માતરમાં ફેરવાઈ ગયો છે. સંદીપના પિતા અને પરિવારજનો સુરત દોડી આવ્યા છે અને મિલ માલિકોની બેદરકારી સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. એક આશાસ્પદ યુવાનના લગ્નના ઓરતા અધૂરા રહી ગયા છે, જેની પાછળ મિલના મેનેજમેન્ટની સુરક્ષા પ્રત્યેની લાપરવાહી સીધી રીતે જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે.

સુજીત કુમાર પાસવાનએ જણાવ્યું હતું કે, હું સોનુજીનો સંબંધી છું, તે મારો ભાઈ છે. હું પારસ કંપનીના માલિકને કહેવા માંગુ છું કે, હોળીના બે દિવસ લોકો પાસે કામ કરાવવું એ ગેરકાયદેસર છે. હોળી દરેક માટે છે. તમે વધુ પૈસા આપો કે પછી નોકરીમાંથી કાઢી મૂકવાની કે પગાર કાપવાની ધમકી આપીને તેમને કામ કરવા માટે દબાણ કરો, તેઓ કામ કરવા માટે મજબૂર બને છે. માલિકે તેમની પાસે હોળીના દિવસે કામ ન કરાવવું જોઈતું હતું. કંપની બંધ રાખવી જોઈતી હતી. કામ તો આખી જિંદગી કરવાનું જ હોય છે. મને એ વાતનું દુઃખ છે કે, માલિક હજુ સુધી અમને મળવા હોસ્પિટલ પણ આવ્યા નથી કે આ ઘટના વિશે કોઈ માહિતી પણ આપી .

પુત્રના મોતના સમાચાર સાંભળતા જ સોનુ પાસવાનના પિતા કમલેશ પાસવાન બિહારના રોહતાસ જિલ્લાના સાસારામના શિવસાગર ગામેથી તાત્કાલિક સુરત દોડી આવ્યા છે. વતનમાં જ્યારે હોળીની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે અચાનક આવેલા આ સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પિતા સુરત પહોંચ્યા ત્યારે તેમને આશા હતી કે, મિલના જવાબદારો તેમને સાથ આપશે, પરંતુ અહીંની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. હોસ્પિટલના દરવાજે પોતાના વ્હાલસોયા દીકરાની લાશ જોઈ પિતા કમલેશભાઈ ભાંગી પડ્યા હતા અને ન્યાય માટે આજીજી કરી રહ્યા હતા.

સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, આટલી મોટી દુર્ઘટનામાં ત્રણ જવાનજોધ યુવાનોના મોત થયા હોવા છતાં ન્યુ પારસ ડાઈંગ મિલના સંચાલકો કે કોન્ટ્રાક્ટરે માનવતાના નાતે પણ પિતાને મળવાની તસ્દી લીધી નથી. કમલેશ પાસવાને રડતા અવાજે જણાવ્યું કે, હું બિહારથી અહીં સુધી લાંબો પ્રવાસ ખેડીને આવ્યો છું, પણ હજુ સુધી મિલના કોઈ પણ સાહેબે મારી સાથે વાત કરી નથી કે મને મળ્યા નથી. માલિકોની આ ગેરહાજરી સ્પષ્ટ કરે છે કે, તેમને શ્રમિકોના જીવ કરતા પોતાના નફાની વધુ ચિંતા છે.

મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, ગુરૂવારે રાત્રે ન્યુ પારસ ડાઈંગ મિલમાં જ્યારે આ શ્રમિકો ટાંકી સાફ કરવા ઉતારાયા, ત્યારે ત્યાં સુરક્ષાનું નામોનિશાન નહોતું. ટાંકીની અંદર ઓક્સિજનની ભારે અછત હોવાથી ગણતરીની મિનિટોમાં જ શ્રમિકો ગૂંગળાવા લાગ્યા હતા. જો મિલ પ્રશાસને તેમને સાદા માસ્ક કે પ્રાણવાયુના સિલિન્ડર આપ્યા હોત, તો આજે પરિસ્થિતિ જુદી હોત. સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ વગર સીધા મોતની ખાઈ જેવી ટાંકીમાં ઉતારી દેવાની આ ઘોર બેદરકારીએ ત્રણ પરિવારોનો માળો વિંખી નાખ્યો છે અને એક શ્રમિક હજુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

મૃતક સોનુ પાસવાનના પિતા કમલેશ પાસવાને જણાવ્યું કે, તેમનો દીકરો જ આખા પરિવારનું ભરણપોષણ કરતો હતો. સોનુના લગ્ન પાંચ વર્ષ પહેલાં જ થયા હતા અને તેની પત્ની વતનમાં તેની રાહ જોઈ રહી હતી. પિતાએ કહ્યું, મારે હજુ એક દીકરી કુંવારી છે, જેના લગ્નની જવાબદારી સોનુના શિરે હતી. હવે મારો સહારો છીનવાઈ ગયો છે, મારે કોની પાસે મદદ માંગવી? મિલ માલિકોની આ લાપરવાહીએ વૃદ્ધ પિતાને બુઢાપામાં નોંધારા કરી દીધા છે અને તેમનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે.

પરિવારના આક્ષેપ મુજબ, હોળીના દિવસે તમામ શ્રમિકોને રજા મળવી જોઈતી હતી, પરંતુ મિલના સંચાલકોએ કામનું ભારણ વધારી દીધું હતું. સંબંધીઓના જણાવ્યા અનુસાર, શ્રમિકોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને અથવા વધુ કામ પતાવવાની લાલચ આપીને તહેવારના દિવસે પણ મજૂરી કરવા મજબૂર કરાયા હતા. આ લાલચ અને દબાણને કારણે જ આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જો હોળીના દિવસે મિલ બંધ રાખવામાં આવી હોત, તો આજે આ ત્રણ આશાસ્પદ યુવાનો પોતાના પરિવાર સાથે સુરક્ષિત હોત.

જ્યારે પરિવારે કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે, આ ઘટના કેવી રીતે બની, ત્યારે તેમને સંતોષકારક જવાબ મળ્યો નહોતો. કોન્ટ્રાક્ટરે ફક્ત એટલું જ કહ્યું કે તેઓ ટાંકીમાં પડી ગયા હતા, પરંતુ ગૂંગળામણ કે સુરક્ષાના અભાવ વિશે મૌન સેવી લીધું હતું. હોસ્પિટલના ICUમાં જ્યારે પરિવારજનો પહોંચ્યા, ત્યારે શ્રમિકોના નાક અને મોઢામાં નળીઓ જોઈને તેમની રડાદરોળ ફાટી નીકળી હતી. જવાબદારો દ્વારા સતત હકીકત છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાથી પરિજનોમાં રોષની લાગણી જન્મી છે અને ન્યાયની માગ તેજ બની છે.

મૃતક સોનુના પિતા કમલેશ પાસવાને સરકાર અને વહીવટી તંત્રને વિનંતી કરતા કહ્યું કે, અમારો કમાનાર દીકરો તો ગયો, પણ હવે બાકીના પરિવારને જીવવા માટે કોઈ આર્થિક સહારો આપો. પરિવારની સ્પષ્ટ માગ છે કે, મિલ માલિક દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે અને ભવિષ્યમાં કોઈ અન્ય શ્રમિક સાથે આવી અન્યાયભરી ઘટના ન બને તે માટે કડક દાખલો બેસાડવામાં આવે. ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની ચીમકી પણ શ્રમિક સંગઠનો અને પરિવારે ઉચ્ચારી છે.