રિપોર્ટ@સુરત: પહેલીવાર ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા

 4 દરવાજા ચાર ફૂટ ખોલ્યા

 
રિપોર્ટ@સુરત: પહેલીવાર ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ડેમોમો ભરાઈ ગયા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ યથાવત્ રહેતા ડેમમાં 60 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી, જેને પગલે ડેમ રૂલ લેવલ કરતાં અડધાથી પણ ઓછા ફૂટ દૂર રહેતા ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 46 હજાર ક્યુસેક પાણી છોડવાનું આગોતરું પગલું ભરી લેવાયું છે. 

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ઉકાઈ ડેમનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીતેલા ચોવીસ કલાકમાં પણ આ રીતે વરસાદ યથાવત્ રહ્યો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈનગેઝ સ્ટેશન પૈકી ચેરલીમાં 15 મિમી, નંદુરબારમાં 13 મિમી, ખેતિયામાં 14 મિમી, નિઝરમાં 17 મિમી, અક્કલકૂવામાં 12 મિમી, ડોસવાડામાં 21 મિમી, ઉકાઈમાં 16 મિમી વરસાદ નોંધાયો છે.


જ્યારે હથનુર ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. ઉકાઈ ડેમમાં આજે સવારથી 60 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આશરે એક લાખ ક્યુસેક જેટલી પાણીની આવકથી ડેમની સપાટી વધીને 334.55 ફૂટે પહોંચી હતી. જેને પગલે તંત્ર દ્વારા સતર્કતાના ભાગેરૂપે ઉકાઈ ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 46 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. પ્રકાશા ડેમમાંથી 74 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.


ઉકાઈ ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલની નજીક પહોંચી જતાં તંત્રએ રૂલ લેવલ જાળવી રાખવા માટે મંગળવારે બપોરથી પાણી છોડવાનું વધારી દીધું હતું. આગામી દિવસમાં પાણીની આવકને ધ્યાને લઈ જાવક નક્કી થશે. સંભવતઃ આવતીકાલે સવાર સુધીમાં પાણીની સપાટી રૂલ લેવલને આંબી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચિંતાનો કોઈ જ વિષય નથી. સ્થાનિક લેવલે વરસાદે વિરામ લીધો છે. ઉપરવાસમાં ચિંતા કરવી પડે તેટલો વરસાદ નથી. રૂલ લેવલ 335 ફૂટ હોવાથી તંત્રએ રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવાનો આરંભ કર્યો છે.


ઉકાઇ ડેમમાં ગત વર્ષે 29 જૂનના રોજ નવા પાણીની આવક આવી હતી. તે વખતે ઉકાઇ ડેમની સપાટી 308.28 ફૂટ નોંધાઇ હતી. આ વખતે ઉકાઇ ડેમમાં બે દિવસ વહેલું 27 જૂને પાણીની આવક શરૂ થઇ હતી અને સપાટી 305.39 ફૂટ હતી. ડેમમાં 1700 મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) પાણીનો સંગ્રહ હતો. ત્યારબાદ આજે એટલે કે સાતમી ઓગસ્ટે પૂર્ણ થતા 42 દિવસમાં સત્તાધીશોએ પ્રથમ વખત ડેમના દરવાજા ખોલ્યા હતા. ત્યારે ઉકાઈ ડેમમાં 4923 એમસીએમ પાણીનો સંગ્રહ હતો. આમ 52 દિવસમાં 3222 એમસીએમ પાણી અને 29 ફૂટ સપાટી વધીને આજે 334.55 ફૂટ થઈ છે.

ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ડેમના પ્રથમ વખત ચાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. અઢાર વર્ષ પહેલાં ઉકાઈ ડેમના કેચમેન્ટમાં હેવી રેઈન થતા સત્તાધીશોએ અધધધ 9 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડ્યું હતું અને આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થયું હતુ. આજે પણ શહેરીજનોને જૂની યાદો માનસપટ પર આવી ગઈ હતી.