રિપોર્ટ@સુરત: 5 વર્ષીય બાળકીને કારચાલકે ટક્કર મારતા મોત નીપજ્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી હદય કંપાવતી અકસ્માતની ઘટના સામે આવી છે.સુરત શહેરના સચિન વિસ્તારમાં પુરપાટઝડપે દોડી રહેલી કારે અડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. નિર્માણાધીન સાઈટ નજીક રમી રહેલી પાંચ વર્ષીય બાળકીને કારચાલકે ટક્કર મારતા બાળકી હવામાં ઉછળીને જમીન પર પટકાવી હતી. ત્યારબાદ તેના પર કારના બંને વ્હિલ ફરી વળ્યા હતા. હચમચાવી નાખતો અકસ્માત સર્જયા બાદ કારચાલક ત્યાં ઉભો રહેવાના બદલે નાસી છૂટ્યો હતો. જો કે, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય પોલીસે સીસીટીવીના આધારે ચાલકને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતક માસૂમ બાળકીનું નામ આરતી પ્રેમસિંહ બારૈયા છે અને તેની ઉંમર માત્ર 5 વર્ષની હતી. આ પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે અને સુરતમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અકસ્માત સમયે બાળકીના માતા-પિતા ઇકલેરા નજીક આવેલી એક નવી બંધાતી સોસાયટીની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિક તરીકે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન માસૂમ આરતી ત્યાં નજીકમાં રમી રહી હતી અને રમતા રમતા અચાનક રોડ પર આવી ગઈ હતી. બરાબર એ જ સમયે કાળ બનીને આવેલી કારે તેને પોતાની ઝપેટે લઈ લીધી હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા અન્ય લોકો અને બાળકીના પિતાએ આ ભયાનક દ્રશ્ય પોતાની આંખે જોયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ થઈ ગઈ હતી.
જ્યારે કારે બાળકીને ટક્કર મારી અને તેના પર ટાયરો ફરી વળ્યા,ત્યારે ત્યાં હાજર કેટલાક સ્થાનિક લોકો અને શ્રમિકોએ જોરજોરથી બૂમો પાડી હતી. લોકોએ કારચાલકને ગાડી રોકવા માટે ઈશારા કર્યા હતા અને પાછળ દોડ્યા પણ હતા. પરંતુ પથ્થર દિલના કારચાલકે પોતાની ગાડી ઊભી રાખવાને બદલે એક્સિલરેટર દબાવી દીધું અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં તરફડતી બાળકીના પિતાએ જરાય સમય ગુમાવ્યા વિના તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. બાળકીને અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરતની સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ત્યાં ફરજ પરના હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાની ગંભીરતા સમજીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અકસ્માત વાળા સ્થળની આસપાસ તપાસ કરતા પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. આ ફૂટેજમાં કારનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટપણે દેખાઈ આવતા પોલીસે ગાડીના નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી કારચાલકની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીનું નામ રતનલાલ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે વ્યવસાયે વેપારી છે અને કરિયાણાની દુકાન ચલાવે છે. અકસ્માત સમયે તે પોતાના બાળકને શાળાએથી લેવા માટે જઈ રહ્યો હતો, ત્યારે ઉતાવળમાં આ કમકમાટીભરી ઘટના ઘટી હતી.
સચિન પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ખૂબ જ ભયાવહ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કારના આગળના અને પાછળના બંને ટાયરો બાળકી પરથી પસાર થઈ જાય છે. પોલીસે અકસ્માત મોત અને હિટ એન્ડ રનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી રતનલાલ પ્રજાપતિની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે. એક તરફ પોતાના માસૂમ બાળકને સુરક્ષિત ઘરે લાવવા નીકળેલા પિતાએ રસ્તા પર અન્ય એક ગરીબ પરિવારની પાંચ વર્ષની લાડકવાઈ દીકરીને કચડી નાખી, જેને પગલે સોશિયલ મીડિયા પર લોકો કડક સજાની માંગ કરી રહ્યા છે. હાલમાં બાળકીના મૃતદેહનું પીએમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી સચિન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

