રિપોર્ટ@સુરત: 65 લાખનું શંકાસ્પદ ઘી અને 150 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર ભેળસેળ વાળી ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. સુરત નકીલ ચીજવસ્તુનું હબ બની ગયું એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રૂપિયાથી લઈને સફાઈના લિક્વિડ સુધીની નકલી વસ્તુઓ સુરતમાંથી ઝડપી પાડવામાં આવી છે. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાંથી 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. જ્યારે પુણા અને સારોલી વિસ્તારમાં ત્રણ સ્ટોરમાં રેડ કરી પોલીસે 65 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. આ મામલે ફુડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રાખી રેડ કરવામાં આવી હતી. વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વરાછાની તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું હતું. 150 કિલોથી વધારે શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું. પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વરાછા પોલીસે ત્રણ શખસોની અટક કરવામાં આવી છે.
સુરત પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે, વરાછા પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરીમાં બાતમી મળી હતી. તાસની વાડી, એકે રોડ પર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીની સામે પનીરનો સંગ્રહ થયા છે. જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ 150 કિલો પનીનો જથ્થો મળી આવ્યો હતો. પનીરના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી મહાનગર પાલિકાને મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ ઝોન 1 LCB ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પુણા અને સારોલી ગામમાંથી મોટા ત્રણ સ્ટોર ઝડપી પાડ્યા હતા. ઝોન 1 LCB દ્વારા 65 લાખનો ઘીનો જથ્થો કબજે કર્યો હતો. શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબજે કરી સેમ્પલો લેવામાં આવ્યા છે. સ્ટોરમાં ઘી બનાવી અને અલગ અલગ પેકેટ બનાવ્યા હતા. ત્યાર બાદ શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેંચતા હતા. પુણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે ઝોન 1 LCB દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, બાતમીના આધારે પુણા અને સારોલી વિસ્તારમાં 3 સ્ટોરમાં શંકાસ્પદ ઘી કબજે લેવામાં આવ્યું છે. કુલ 65 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક સ્થિતિએ આ ઘીમાં ભેળસેળ હોવાથી શંકા છે. જેથી ફુડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે. આ સાથે સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા છે. હાલ જાણવાજોગ અરજી દાખલ કરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.