રીપોર્ટ@સુરતઃ 7398 ઉમેદવાર, એક જ સપનું - આસિસ્ટન્ટ પ્રોફેસર! વેસુમાં GSET નો જમાવડો

ગેરરીતિ ન થાય તે માટે કડક વ્યવસ્થા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની લાયકાત માટે ગઈકાલે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) યોજાઈ હતી.

આ પરીક્ષાનું આયોજન ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 13 કેન્દ્રો પર 49 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતના 4 કેન્દ્રોના 309 બ્લોકમાં 7,398 ઉમેદવારો બેઠા હતા.

આ વર્ષે ઇન્ડિયન કલ્ચર, યોગા અને સ્ટેટિસ્ટિક્સ એમ ત્રણ નવા વિષયો ઉમેરાતા કુલ 36 વિષયોમાં પરીક્ષા લેવાઈ હતી. અગાઉ 33 વિષયો હતા.

વેસુ વિસ્તારના ચારેય કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી.

*કેન્દ્ર મુજબ ઉમેદવારોની સંખ્યા*

*1. ડી.સી. પટેલ નવનિર્માણ કેમ્પસ -* સી.બી. પટેલ કોમ્પ્યુટર કોલેજ અને જે.એન.એમ. પટેલ સાયન્સ કોલેજ : 91 બ્લોક, 2,184 ઉમેદવાર

*2. ડી.આર. પટેલ એન્ડ આર.બી. પટેલ કોમર્સ કોલેજ અને નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ :* 53 બ્લોક, 1,272 ઉમેદવાર

*3. એસ.ડી.જે. ઇન્ટરનેશનલ કોલેજ :* 61 બ્લોક, 1,464 ઉમેદવાર

*4. અગ્રવાલ વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ કોલેજ :* 104 બ્લોક, 2,478 ઉમેદવાર

*સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ*

એક જ સત્રમાં પેપર-1 અને પેપર-2ની પરીક્ષા સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી લેવાઈ હતી.

દૃષ્ટિ દિવ્યાંગ ઉમેદવારોને પેપર-1 માટે 20 મિનિટ અને પેપર-2 માટે 40 મિનિટ એમ કુલ એક કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. તેમની પરીક્ષા બપોરે 1:30 વાગ્યા સુધી ચાલી હતી.

પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સઘન ચેકિંગ બાદ જ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

*'4-5 મહિનાથી તૈયારી કરી હતી, પાસ થવાની આશા'*

એસ.ડી.જે. ઇન્ટરનેશનલ કોલેજ ખાતે કોમર્સ વિષયની પરીક્ષા આપવા આવેલા રોહન રાણાએ જણાવ્યું હતું કે, આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાના ધ્યેય સાથે તેમણે છેલ્લા 4-5 મહિનાથી તૈયારી કરી હતી.

જૂના પ્રશ્નપત્રો, યુટ્યુબ, ઓફલાઇન મટિરિયલ અને AIની મદદથી તેમણે સવાલો ઉકેલીને તૈયારી કરી હતી. આ વખતે પરીક્ષા પાસ થવાનો તેમણે પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.