રિપોર્ટ@સુરત: 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ યુવકને ઢોરમાર મારતા મોત નીપજ્યું

 સારવાર દરમિયાન મોત થયું હતું.
 
રિપોર્ટ@સુરત: 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ યુવકને ઢોરમાર મારતા મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. લોકો સમાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખે છે.  સુરતમાં નાનપુરા મક્કાઈપુલ સર્કલ પાસે 400 રૂપિયાની લેતીદેતીમાં એક યુવકને ઢોરમાર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી. જોકે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાનાં નિશાન મળ્યાં ન હતાં, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોરમાર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકને તેના જ મિત્રએ પાંચ જેટલી થપ્પડ અને છ જેટલી લાતો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.


11 માર્ચના રોજ મોડી સાંજે સાતેક વાગ્યાના અરસામાં નાનપુરા મક્કાઈપુલ સર્કલ પાસે આવેલ ચં.ચી મહેતા નાટ્યગૃહના ફુટપાથ પરથી આસરે 40થી 45 વર્ષનો અજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઈસમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ સવારે અગિયાર વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.


પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમે માર મારતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કરતા મેટ્રોકા નામની દુકાનની આગળના સીસીટીવી ફુટેજમાં મૃતક સાથે અજાણ્યો ઈસમ ઝઘડો કરી લાતો અને થપ્પડો મારતો દેખાયો હતો. તેમજ મૃતકનો એક પગ ખેચી મચકોડી પણ નાંખ્યો હતો.


પોલીસે આજુબાજમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહારપુરીયા ઉર્ફે ભુરિયા તરીકે થઈ હતી. ભુરિયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફુટપાથ ઉપર રહેતા હતા. બંને વચ્ચે 400 રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોરમાર મારી શરીરે ગંભીર મૂઢ ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.


સીસીટીવી પ્રમાણે, ગત 11 માર્ચના રોજ સાંજે 6.36 કલાકે મૃતક ભુરિયો ફૂટપાથ ઉપર બેઠો હતો અને 6.48 કલાકે મિત્ર રામકિશોર તેની સાથે ઝઘડો કરી માર મારવાનું શરૂ કરે છે. બે થપ્પડ મારતા ભૂરિયો જમીન પર પડી જાય છે. ત્યાર બાદ ત્રણ થપ્પડ અને પાંચ લાત મારે છે. તેમ છતાં સંતોષ ન થતાં ચંપલ કાઢીને માર મારે છે. ત્યાર બાદ એક પગ મચકોડીને જતો રહે છે. જેથી રામકિશોરની બનાવ અંગે ગતરોજ સરકાર તરફે પીએસઆઈ બી.કે. ઝાલા ફરિયાદી બની આરોપી રામકિશોર પ્રધાન સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી.