રિપોર્ટ@સુરત: અજાણ્યા વાહનચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું

પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
 
રિપોર્ટ@સુરત: અજાણ્યા વાહનચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાંડેસરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બોટલીવાલા સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે એક ડાઇંગ મિલમાં નોકરી કરતા યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

મૃતક યુવકની ઓળખ આસ યાદવ તરીકે થઈ છે. આ યુવક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને છેલ્લા 3 વર્ષથી સુરતમાં રહીને ડાઇંગ મિલમાં નોકરી કરતો હતો. તે પાંડેસરામાં નોકરી કરીને ગોડાદરા ખાતે ઘરે પરત જઈ રહ્યો હતો, ત્યારે બોટલીવાલા સર્કલ પર આ દુર્ઘટના બની હતી.

આસ યાદવના પરિવારમાં તેની પત્ની અને બે નાના બાળકો છે. જેઓ હાલ યુપીમાં રહે છે. આ યુવક એકમાત્ર કમાઉ સભ્ય હતો અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અકસ્માતમાં તેનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

રાત્રે લગભગ 9 વાગ્યે તે જોબ પરથી છૂટ્યા પછી બોટલીવાલા નજીક એક હોટલ પર તેણે ખાવાનું ખાધું હતું. ત્યાર બાદ ઘર તરફ જવા માટે નીકળ્યો હતો અને બોટલીવાલા સર્કલ પર પગપાળા જ ચાલી રહ્યા હતા.

વિકાસ પાટીલના જણાવ્યા અનુસાર, આ યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહને બહુ ખરાબ રીતે ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સુપરવાઇઝરને રાત્રે 9:57 મિનિટે ફોન આવ્યો હતો, જેના આધારે અકસ્માતનો સમય લગભગ 9:40 થી 9:45 વચ્ચેનો હોવાનું માનવામાં આવે છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યુવકનું સ્થળ પર જ મોત થઈ ચૂક્યું હતું. બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ ઘટનામાં હિટ એન્ડ રનનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસે બાટલીવાલા સર્કલ અને આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને ટક્કર મારનાર વાહન અને તેના ચાલકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.