રિપોર્ટ@સુરત: ખાડીના રિ-ડેવલપમેન્ટ માટે 500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાં ખાડીના રિ-ડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવ્યા.મિટિંગમાં મુખ્યમંત્રીનો આદેશ-ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડો, પૂર માટે જવાબદાર અધિકારી-કોન્ટ્રાક્ટરો બચશે નહીં.

સુરતમાં બુધવારે વરસાદે વિરામ લીધો હતો પણ બે દિવસમાં વરસેલા 18 ઇંચ જેટલા વરસાદના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થતા ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને વેપાર-ધંધા અને વાહનમાલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્રણ દિવસથી સુરતીઓ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા.

સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી આ મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવાના પણ આદેશો કર્યા છે.

આ બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોએ તંત્રની પોલ ખોલતા જ મુખ્યમંત્રી અધિકારીઓ પર લાલઘૂમ થઈ ગયા હતા. ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સીએમએ કડક શબ્દોમાં આદેશ આપ્યા છે કે, જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે લેપ્સ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક અને જરૂર પડ્યે ફોજદારી પગલાં લેવામાં કોઈ સંકોચ રાખવામાં આવશે નહીં.

સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક એટલી કડક અને શિસ્તબદ્ધ હતી કે, મીટિંગ હોલમાં પ્રવેશતા પહેલા જ તમામ અધિકારીઓ, મનપા કમિશનર અને નેતાઓના મોબાઈલ ફોન બહાર જમા કરાવી દેવામાં આવ્યા હતા. અંદાજે બે કલાક સુધી ચાલેલી આ મેરેથોન મિંટિંગમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પૂર પ્રભાવિત વિસ્તારોની તદ્દન વાસ્તવિક અને ગંભીર પરિસ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. પ્રજાની હાલાકી સાંભળીને સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે એક્શન પ્લાન બનાવવાની તાકીદ કરી હતી.

સુરત શહેરને ખાડી પૂરની આ કાયમી સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે ₹500 કરોડની માતબર રકમ ફાળવી છે. આ ભંડોળનો ઉપયોગ ખાડી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ, ખાડીને ઊંડી કરવા તેમજ તેની આસપાસ થયેલા તમામ ગેરકાયદે બાંધકામોને તાત્કાલિક ધોરણે તોડી પાડવા માટે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, ખાડી કિનારાના તમામ દબાણો કોઈપણ રાજકીયવગ વગર તાત્કાલિક દૂર કરવામાં આવે જેથી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીએ રિવ્યૂ બેઠક લીધી હતી. જેમાં નહેર અને ખાડીના કારણે પાણી ભરાવવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું? અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઊભો થાય તે માટે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે, તાત્કાલિક એનો પ્લાન કરીને અમલમાં મૂકી આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે.

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાથે સાથે કોઈ પણ જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ પણ લેપ્સ થયું હોય તો એની સંપૂર્ણ પણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ પણ રોડ, બીજા કોઈ પણ કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ પણ વિકનેસ હોય તો એની ઉપર પણ પગલાં પણ ભરવામાં આવે અને જરૂર લાગે તો ફોજદારી પગલાં પણ ભરવામાં આવે તેની પણ સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે.

પૂરના પાણી ઓસર્યા બાદ લોકોની મુશ્કેલીઓ વહેલી તકે ઓછી થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. સામાન્ય રીતે માત્ર જિલ્લા પ્રશાસન કામગીરી કરે તો કેશડોલ અને ઘરવખરીની સહાય પહોંચાડવામાં 4 થી 5 દિવસનો સમય લાગી જતો હોય છે. પરંતુ આ સ્થિતિને નિવારવા માટે સીએમએ મનપા, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના તમામ સરકારી વિભાગોને સાથે મળીને કામ કરવા જણાવ્યું છે. તમામ વિભાગોને 24 કલાકમાં એટલે કે આવતીકાલ સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્તો સુધી કેશડોલ અને ઘરવખરીની સહાય પહોંચાડી દેવાની કડક સમયમર્યાદા આપવામાં આવી છે.

તાજેતરના વરસાદના કારણે સુરત શહેરમાં જે નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે અથવા રોડ બેસી ગયા છે, તેની તપાસ કરવાના આદેશ પણ અપાયા છે. જો કોઈ પણ નવનિર્મિત રોડની કામગીરીમાં નબળી ગુણવત્તા અથવા ભ્રષ્ટાચાર સામે આવશે, તો માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ તેની સાથે સંડોવાયેલા મનપાના જવાબદાર અધિકારીઓ સામે પણ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. જનતાના નાણાંનો વેડફાટ કરનારા અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરનારા તમામ ઈજારદારોને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે.

બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રીએ આજે ખૂબ જ ગંભીરતાપૂર્વક સમીક્ષા બેઠક લીધી છે. પ્રશાસનને સવાલ પૂછવામાં આવ્યો છે કે, ભૂતકાળમાં જે નહેર અને ખાડીના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, તે જ ભૂલ ફરી કેમ થઈ? આ બાબતની સંપૂર્ણ તપાસ અત્યારે ચાલુ છે." તેમણે ઉમેર્યું કે, જો ભવિષ્યમાં પણ આ પ્રકારની લાપરવાહી જોવા મળશે, તો અધિકારીઓએ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તમામ પ્રભાવિત વિસ્તારોમાં આજે સાંજ સુધીમાં સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો કરવાની પણ સૂચના અપાઈ છે.

શહેરના વેપારીઓ અને સામાન્ય નાગરિકોના ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનીના વળતર માટે અધિકારીઓની વિશેષ ટીમોને તાત્કાલિક સર્વેની કામગીરીમાં જોતરી દેવામાં આવી છે. સર્વેની કામગીરી પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવશે. આ બેઠકમાં સર્વેના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર તરફથી અસરગ્રસ્ત વેપારીઓ અને નાગરિકો માટે આર્થિક સહાય કે રાહત પેકેજની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મુખ્યમંત્રીની બીજી એક મહત્વની બેઠક મહાનગરપાલિકાના વહીવટી અધિકારીઓ સાથે યોજાઈ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિત તમામ વિભાગોના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠક ચોમાસા પૂર્વે કરાયેલા નબળા પેચવર્ક અને પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન થવાને કારણે આખે આખા રોડ બેસી ગયા હોવાની વાત પર મુખ્યમંત્રી રોષે ભરાયા હતા. વહીવટી તંત્રની આ ખુલ્લી બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા તેઓએ કહ્યું હતું ક કે, આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો અને તેમનું સુપરવિઝન કરનારા અધિકારીઓ સામે આખરે ક્યારે પગલાં ભરશો?.

સીએમએ અધિકારીઓની ક્લાસ લેતા કહ્યું હતું કે,ચોમાસા પૂર્વે કરાયેલી કામગીરીમાં પાઇપલાઇન નાખ્યા બાદ તેના પર યોગ્ય પુરાણ કરીને જે પેચવર્ક કરવાનું હોય છે, તે વહીવટી સ્તરે બિલકુલ યોગ્ય રીતે થયું નથી. આ નબળા પેચવર્ક અને ખામીયુક્ત પુરાણના કારણે જ આખેઆખા રોડ બેસી ગયા છે અને રસ્તાઓ વચ્ચે મોટા ખાડા પડી ગયા છે.

મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને કહ્યું કે, ખાડી કિનારે થયેલા તમામ ગેરકાયદે બાંધકામો પર તાત્કાલિક કડક એક્શન લો. માત્ર 100 ગેરકાયદે મિલકતો કે મકાનોના કારણે શહેરના 1 લાખ નિર્દોષ લોકોને પૂરની હાલાકી અને નુકસાન ભોગવવું પડે તે બિલકુલ ચલાવી લેવાશે નહીં. આ પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ આશરે 1500 કરોડ રૂપિયા સુધીનું ફંડ આપવા માટે પણ સંપૂર્ણ તૈયાર છે.

સંગીતા પાટીલે ખાડી પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા પોતાના વિસ્તારની ગંભીર પરિસ્થિતિ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઉપરવાસમાંથી આવતું પાણી સીધું લિમ્બાયત, ડિંડોલી, કરંજ અને વરાછા જેવા વિસ્તારોમાં ડાયવર્ટ થતું હોવાથી અહીં દર વર્ષે ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ નિર્માણ થાય છે. તેમણે વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, ખાડી પૂરના કાયમી નિવારણ માટે ગયા વર્ષે જે વિશેષ કમિટી બનાવવામાં આવી હતી, તેણે અત્યાર સુધી શું કામગીરી કરી તેનો રિપોર્ટ અમે મુખ્યમંત્રી સમક્ષ માંગ્યો છે.