રિપોર્ટ@સુરત: ઓલપાડમાં ભાજપનો ભડકો! ચિઠ્ઠી કોણે લખી? નામ આપીશ - મુકેશ પટેલ
સાયણના સ્નેહમિલનમાં MLAનો આક્રોશ
Nov 23, 2026, 17:40 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓલપાડના સાયણ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય મુકેશ પટેલે પક્ષની અંદર ચાલતા આંતરિક ડખા પર જાહેર મંચ પરથી જ આક્રોશ ઠાલવ્યો હતો.
સુરત જિલ્લા પંચાયતના સભ્ય બ્રિજેશ પટેલને કારોબારી અધ્યક્ષ બનતા અટકાવવા માટે અંદરોઅંદર ચિઠ્ઠી લખવામાં આવી હોવાનો મુદ્દો સમારોહમાં ચર્ચામાં આવ્યો હતો. આ મુદ્દે મુકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જાહેરમાં નામ આપું, કોણે ચિઠ્ઠી લખી હતી."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "ચાર વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો અને હવે સારો લાગતો નથી."
"પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ટૂંકી ન કરવી જોઈએ" એમ કહીને તેમણે કાર્યકરો અને આગેવાનોને અંદરોઅંદરની ખેંચતાણ બંધ કરવા સંદેશ આપ્યો હતો.
આ નિવેદન બાદ ઓલપાડ ભાજપમાં જૂથબંધી અને આંતરિક વિખવાદની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. 9326

