રિપોર્ટ@સુરત: બુટલેગર દ્વારા ટુ વ્હિલર અથડાવા જેવી નજીવી બાબતે પેટ્રોલ છાંટી કાર, દુકાન, ઘર સળગાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરત જિલ્લામાં કુખ્યાત બુટલેગર દ્વારા ટુ વ્હિલર અથડાવા જેવી નજીવી બાબતે સામને વ્યક્તિના ઘરે ગેંગ સાથે ધસી જઇ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં 'પકોડા' નામથી કુખ્યાત બુટલેગરે ઘર પર પેટ્રોલ બોબ્મ ફેંકી આગ લગાવી હતી. ઘર બહાર પાર્ક કરેલી કારમાં અને પડોશીની દુકાનને પણ આગ લગાવી દીધી હતી. તેમજ ટુ વ્હિલર અથડાયું હતું તે સગીરના પિતાને લોહીલુહાણ કરી નાખ્યા હતા.
ઘટના અંગે જાણવા મળેલી વિગત અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામની હદમાં આવેલા પાર્થ રો હાઉસમાં રહેતા ગોવિંદસિંહ રાજપૂત જે GIDCમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે. જેમાં બીજા નંબરના 15 વર્ષનો પુત્ર પ્રિન્સ ગોવિંદ રાજપૂત ગત સાંજે ઘરેથી બાઇક લઇને નિકળ્યો હતો. આ દરમિયાન ગણેશ પેટ્રોલ પંપની નજીક તેની બાઇક કુખ્યાત બુટલેગરના પુત્રના ટુ-વ્હિલર સાથે અથડાઈ હતી. જેથી બંને વચ્ચે રકઝક થઇ હતી અને લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. જેથી પ્રિન્સ ગભરાઇને પોતાના ઘરે આવી ગયો હતો.
બીજી તરફ બુટલેગર 'પકોડા'ના સાગરીતો પ્રિન્સના ઘરે આવી પહોંચ્યા હતા અને ઝઘડો કર્યો હતો. જેથી આ અંગે પરિવારે કોસંબા પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. જો કે સમગ્ર મામલે પોલીસ અને સ્થાનિક લોકોએ મધ્યસ્થી કરી બંનેને સમજાવી સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો.
પરંતુ સમાધાન કર્યાના ત્રણ કલાક બાદ જ પોતાના પુત્ર સાથે કેમ ઝઘડો કર્યો તેનુ ઉપરાણું લઇને પિતા 'પકોડો' 40થી વધુ લોકોનું ટોળું લઇને પાર્થ રો હાઉસમાં ગોવિંદ રાજપૂતના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે ગોવિંદ રાજપૂત અને તેમના પત્ની પર તિક્ષ્ણ હથિયારના ઘા કરતા ગોવિંદ રાજપૂત લોહીલુહાણ થઇ ગયા હતા. તેમજ બુટલેગરે પેટ્રોલ ભરેલી બોટલ સળાવી ઘરને આગચંપી કરી હતી. આ સાથે ઘર બહાર પાર્ક કરેલી કાર અને પડોશીની દુકાનને પણ આગ લગાવી દીધી હતી.
પીડિત પરિવારે હુમલા દરમિયાન બનેલી ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. જેમાં પરિવાર મદદ અને બચવા માટે સતત આંક્રદ કરી રહ્યો છે. તેમજ સળગતી કાર અને લોહીલુહાણ પિતા અને કપડા ફાડી ગયેલી હાલતમાં માતા પણ નજરે પડે છે. તેમજ ઘરમાં પણ લોહીલોહી જોવા મળે છે. સાથે જ પડોશીની દુકાનમાં કરેલી આગચંપીનો વીડિયો પણ દુકાનદારે બનાવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત ગોવિંદ રાજપૂતને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભોગ બનનાર મહિલા આરતીબેને જણાવ્યું હતું કે, હુમલાખોરોએ પેટ્રોલ સાથે લઇને આવ્યા હતા. તેમણે અમારા ઘર અને મારા પતિ પર પેટ્રોલ છાંટ્યું અને સળગતી દિવાસળી ફેંકી, પરંતુ મારા પતિ દૂર હટી જતાં તેઓ બચી ગયા. મારા પતિ પર જીવલેણ હુમલો કરતા હું હાથ જોડી માફી માંગી રહી હતી ત્યારે આ લોકોએ મારી પર પણ હુમલો કરી દીધો અને ઇજાઓ પહોંચાડી હતી. હુમલાખોરો સતત બોલી રહ્યા હતા કે આજે તમને મારી નાખીશું પોલીસ પણ અમારા ખિસ્સામાં છે. અમારું કોઈ કંઈ નહી બગાડી શકે.
હુમલા અંગે પ્રિન્સે જણાવ્યું હતું કે, ટુ-વ્હિલર અથડયા બાદ મને માર મારવામાં આવ્યો અને પોલીસની સામે જ જાનથી મારી નાખવાની અને ઘર સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પરંતુ પોલીસની હાજરીમાં મામલો થોળે પાડી દીધા બાદ ફરી તેઓ અમારા ઘરે આવ્યા અને અમારા પર હથિયાર તેમજ પેટ્રોલ છાંટી હુમલો કરવામાં આવ્યો. તેઓ અમારી હત્યા કરવાના ઇરાદે જ આવ્યા હતા.
જ્યારે અન્ય એક ભોગ બનનાર રિશિકાંત રાજપૂતે જણાવ્યું હતું કે, મારા ભત્રીજાની બાઇક અથડાતા આ લોકોએ અમારા ઘરે આવી ગયા હતા. જો પોલીસે પહેલા જ અટકાયતી પગલા ભર્યા હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત. પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગ છે.
બનાવ અંગે માહિતી આપતા Dy.SP આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, હુમલો કરનાર આરોપીઓ પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને તેનો ભાઇ ત્રિલોકનાથ ઉર્ફે રાજા મૂળ ઓરીસ્સાના વતની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. પોલીસે પદ્મનાભ ઉર્ફે પકોડો ની ધરપકડ કરી છે, અન્ય આરોપીઓની શોધખોળ જારી છે. પદ્મનાભ ઉર્ફે પકોડો સામે અગાઉ દારુ અને મારમારી કેસ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી છે.