રીપોર્ટ@સુરત: બનાવટી ડે. કલેક્ટર બની ફરતી નેહા પટેલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેતરપિંડી આચરવાના પ્રકરણમાં પોલીસે બનાવટી ડે. કલેક્ટર બની ફરતી બારડોલીની બાબેન ગામની નેહા પટેલની અટકાયત કરી હતી. સુરત જિલ્લામાં બનાવટી ડે. કલેક્ટર બની ફરતી નેહા પટેલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં આ વખતે સુરત જિલ્લા આદીવાસી વિસ્તાર માંડવી તાલુકાના ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી. ઘટના મુજબ માંડવીના તારાપુર ગામના ખેડૂત અને નિવૃત સરકારી કર્મચારી રહી ચૂકેલા રામુ ભાઈ દેવજી ભાઈ ચૌધરીએ ફૂલવાડી મેલડી માંનું મંદિર બનાવ્યું છે.
સને 2016માં લોક ડાયરો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન નયનબેન નામની મહિલા સાથે આવેલ નેહા પટેલનો સંપર્ક થયો હતો. એ નયન બહેન નામની મહિલા અને બારડોલીના બાબેન રહેતી નેહા પટેલ એક દિવસ રામુ ભાઈના ઘરે પહોંચી હતી.
નેહા પટેલે રામુ ભાઈ ચૌધરી આગળ મોટી-મોટી વાતો કરી પોતે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી હતી. તેમજ નેહા પટેલ પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ કામ કરતી હોવાનું જણાવી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ કામગીરી તેમજ જમીન સંપાદનનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. અને તે વિકાસ કામોનું ટેન્ડર ભરી કમાણી કરવા જણાવ્યું હતું. તેમજ રોકેલ પૈસા કમિશન સાથે મળી જવાનું પણ લાલચ આપી હતી.
વિકાસ કામના ટેન્ડર પેટે નેહા પટેલે ખેડૂત રામુ ભાઈ ચૌધરી પાસે ટુકડે ટુકડે 22.28 લાખ ખંખેરી લીધા હતા. અને બાદમાં કમિશન તેમજ મૂળ રકમ પણ આપી ન હતી. અને વારંવાર નેહા પટેલ ગોળગોળ જવાબ આપતા રામુભાઈને નેહા પટેલ બનાવટી હોવાની આશંકા ઉભી થઇ હતી. જેથી તેઓએ માંડવી પોલીસની શરણ લીધી હતી. જે બાદ માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ અને બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની અટકાયત કરી લીધી હતી.
સાતીર દિમાગી નેહા પટેલે વર્ષ 2016થી 2021માં જમીનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવ્યા હતા. 2016ની સાલમાં સુરત શહેરના ડભોલી ચાર રસ્તા પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના દરેડ ગામના યોગેશભાઈ મનસુખભાઈ વિરાણી સાથે મુલાકાત થઈ હતી. જ્યાં યોગેશ ભાઈ મારફત તેમની મુલાકાત મહેશ લવર નામના વ્યક્તિ સાથે થઈ હતી.
જામનગર ખાતે આવેલી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝૉનમાં ફેરવવા માટે નેહા પટેલે અવારનવાર રકમ મેળવી 32 લાખ પડાવી લીધા હતા. જે બાબતે બારડોલી, અડાજણ તેમજ નર્મદા જિલ્લામાં ડેડીયાપડા ખાતે પણ ગુનાઓ નોંધાયા હોવાનુ બહાર આવ્યું છે.