રિપોર્ટ@સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 600 કરોડના મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગર પાલિકાના 350 કરોડ અને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરતમાં ત્રણ મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં એપીએમસી માર્કેટની મુલાકાત, રાંદેર વિસ્તારની એક ખાનગી હોટલમાં આયોજિત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકમાં સહભાગી થવું અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાલિકા અને યુઆરડીસીના પ્રોજેક્ટોના મુખ્ય લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્થળો પરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે.
આ વિકાસ પ્રકલ્પોમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કામ સુરતની ફરતે સાકાર થઈ રહેલા 66 કિલોમીટર લાંબા આઉટર રિંગરોડનો બાકી રહેલો સેગમેન્ટ છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના અંદાજિત 10 કિલોમીટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં રોડનું બાંધકામ અને ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે.
આ સચીન-કડોદરા સેગમેન્ટનું કામ પૂર્ણ થવાથી 66 કિલોમીટરની આઉટર રિંગરોડની આખી રીંગ સાકાર થઈ જશે. આ પ્રકલ્પ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રિંગરોડ પૂર્ણ થવાથી શહેરના અંદરના ભાગમાં આવતા હેવી વાહનોનો ટ્રાફિક હળવો થશે અને આજુબાજુના વિસ્તારોને સીધું જોડાણ મળી રહેતાં લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે.
સુરત મહાનગર પાલિકાના 350 કરોડના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં 250 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે 248 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ડ્રેનેજ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. ડ્રેનેજના આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થશે.
જ્યારે, બાકીના 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્તના કામોમાં કનકપુર, ઉધના અને લિંબાયત ઝોન જેવા મહત્ત્વના વિસ્તારોના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીની આ મુલાકાત સુરત શહેરના વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે અને નાગરિકો માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં વધુ એક મજબૂત કદમ બની રહેશે.

