રિપોર્ટ@સુરતઃ ફેક્ટરીમાંથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35.81 લાખનો મુદ્દામાલ જપ્ત

1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી 'વિદુર ઘી' તૈયાર કરવામાં આવતું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ બાતમીના આધારે સચિન GIDC વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે, જે જાણીને કોઈપણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય. 'સબકા ફૂડ્સ'ના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી, માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી 'વિદુર ઘી' તૈયાર કરવામાં આવતું હતું.

તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા.

આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો 'ઝેર' તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું.

આરોપીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું નકલી ઘી 'વિદુર ગાયનું ઘી અને દેશી ઘીના બ્રાન્ડ નેમ હેઠળ વેચવામાં આવતું હતું. આ માલ માત્ર સુરત પૂરતો મર્યાદિત નહોતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઘી ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ હોલસેલ ભાવે મોકલવામાં આવતું હતું. 100 MLના પાઉચથી લઈને 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકેજિંગ ઉપલબ્ધ હતું. ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકરો અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ડીસીપી રાજદીપ સિંહ નકુમના જણાવ્યા અનુસાર, આ ભેળસેળિયા તત્વો માત્ર પામ ઓઇલ જ નહીં, પણ ખતરનાક સિન્થેટિક કલર અને કેમિકલ એસેન્સનો ઉપયોગ કરતા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ ગુનેગારો ડોક્ટરની જેમ સિરીંજ ભરીને કેમિકલ માપતા હતા, જેથી સામાન્ય માણસ અસલી અને નકલી ઘી વચ્ચેનો તફાવત સુગંધ કે દેખાવ પરથી ક્યારેય પારખી ન શકે. ગાયના ઘીની આબેહૂબ સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્સનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવતા હતા.

આ મસમોટા કૌભાંડ પાછળ બે મુખ્ય શખસના નામ સામે આવ્યા છે. પ્રથમ આરોપી ભરત પોલરા  અને બીજો આરોપી અમીન વાઢવણિયા છે. ભરત પોલરા છેલ્લા એક વર્ષથી આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો. આ બંને શખસે મજૂરો રાખીને સુવ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. 'સબકા ફૂડ્સ' નામનું FSSAIનું લાયસન્સ પણ લીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ આ લાયસન્સની આડમાં તેઓ શુદ્ધ ઘીના નામે કેમિકલયુક્ત ભેળસેળવાળું ઘી વેચતા હતા.

આ સ્કેમમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નકલી ઘીનું ઉત્પાદન વેપારીઓની માંગ મુજબ થતું હતું. જો કોઈ વેપારી 'પ્રીમિયમ ભેળસેળ' માંગે તો તેમાં થોડું અસલી ઘી ઉમેરાતું, અને જો સસ્તું જોઈએ તો માત્ર પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનું ઘાતક મિશ્રણ પધરાવી દેવાતું. દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા અને વર્ષોથી જનતાને આ ઝેર પીરસતા હતા. હાલમાં પોલીસે તમામ એસેન્સ અને સાધનો જપ્ત કરી, આ કૌભાંડમાં સામેલ 'સફેદ કોલર' વેપારીઓની કુંડળી શોધવાની તજવીજ હાથ ધરી છે.