રિપોર્ટ@સુરત: ઉદ્યોગપતિની 7500 ગણોત ખેડૂત માટે સહાય કરવાની જાહેરાત કરી, જાણો વધુ વિગતે
હિરાબાનો ખમકાર’ હેઠળ 1102 દીકરીને શિક્ષણ સહાય અપાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત ખેડૂતને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આફવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ સુરતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “હિરાબા નો ખમકાર” અભિયાન શરૂ કર્યું હતું, જે હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત આજદીન સુધી 551 દીકરીને શિક્ષણ સહાય આપવામાં આવી હતી. આજરોજ વધુ 551 દીકરીને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે.
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા-પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી.
આ અંગે પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે, દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ હિરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.

