રિપોર્ટ@સુરત: કોલકાતા દુષ્કર્મ-મર્ડર કેસને લઈ ફરી રોષ, 10 ડોક્ટરની 12 કલાક ભૂખહડતાળ

ઝડપથી પીડિતાને ન્યાય મળે અને એક દાખલારૂપ સજા ફટકારવામાં આવે, જેથી કરીને ડોક્ટરોને પણ પોતાની સુરક્ષાનો અહેસાસ થાય.
 
રિપોર્ટ@સુરત: કોલકાતા દુષ્કર્મ-મર્ડર કેસને લઈ ફરી રોષ, 10 ડોક્ટરની 12 કલાક ભૂખહડતાળ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજની મહિલા તબીબ સાથે એક ભૂલી ન શકાય એવી ઘટના બની હતી. મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી, જેથી તબીબોની માગણી યથાવત્ છે કે આરોપીને ઝડપથી સજા મળે અને મહિલા તબીબને યોગ્ય ન્યાય મળે. કાર્યવાહી ન થતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના મુખ્ય કાર્યાલય એટલે કે દિલ્હી ખાતેથી દેશભરમાં તબીબો અને રેસિડેન્ટ ડોક્ટર ભૂખહડતાળ ઉપર ઊતર્યા છે, જેના સમર્થનમાં આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સમર્થનમાં ઊતર્યા છે.

આ સાથે જ જુનિયર ડોક્ટર એસોસિયેશનના પ્રમુખ ડો. ધવલ ગામેતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ હડતાળ દ્વારા અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એ સમયે વિરોધપ્રદર્શન કરીને પોતાની માગણીની રજૂઆત કરવી જરૂરી હતી, પરંતુ હવે કોઈપણ દર્દીને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે બી.જે. મેડિકલ કોલેજના 800થી વધુ રેસિડેન્ટ તબીબો દ્વારા ફરજ પર હાજર રહીને જ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એટલે કે 12 કલાકના ઉપવાસ કરીને મહિલા તબીબને ન્યાય મળે એ માટેની પ્રક્રિયામાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સમર્થન કરશે.

દેશભરમાં આ હીન કૃત્યને વખોડવામાં આવ્યું છે. બંગાળમાં બનેલી ઘટના બાદ દેશભરમાં લોકોએ પોતાના વિરોધની લાગણી વ્યક્ત કરી હતી અને પીડિતાના પરિવારને ઝડપથી ન્યાય મળે એ માટે માગણી કરવામાં આવી હતી. ઘણા દિવસો વીતી ગયા બાદ પણ હજી સુધી આ કેસમાં કાયદાકીય કાર્યવાહી ઝડપથી થતી ન હોવાની લાગણી ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં આજે સુરત સિવિલ હોસ્પિટલના 10 ડોક્ટર સવારથી જ ભૂખહડતાળ પર ઊતર્યા છે.

આઈએમએના સુરતના પ્રેસિડેન્ટ સી.બી. પટેલે જણાવ્યું હતું કે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દિલ્હીએ કોલકાતાની પીડિતાને ન્યાય ન મળવાને લઈને એક દિવસ માટે વિરોધપ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે આજે સુરતના 10 તબીબ સવારથી સાંજ સુધી ભૂખહડતાળ પર ઊતરીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 10 જ વિદ્યાર્થી ભૂખહડતાળ પર ઊતર્યા છે અને બાકીના વિદ્યાર્થીઓ તેમને અનુકૂળ હોય એ સમય પર આવીને સમર્થન આપી રહ્યા છે. વિદ્યાર્થીઓની ખાસ એવી પણ લાગણી હતી કે આપણા વિરોધપ્રદર્શનને લઈને સિવિલનાં કામકાજ પર કોઈપણ પ્રકારની અસર ના થાય એ જરૂરી છે, કારણ કે સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં રોજ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, આથી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્ય અને જુનિયર ડોક્ટરો પણ પોતાના સમયની અનુકૂળતાએ અહીં ભૂખહડતાળ પર બેઠેલા ડોક્ટરોની સાથે જોડાઈ રહ્યા છે.

તેમણે છેલ્લે જણાવ્યું હતું કે અમારી માગ છે કે દુષ્કર્મની ઘટનાને આટલા દિવસ વીતી ગયા બાદ પણ સંતોષકારક કોઈ કામગીરી થઈ રહી નથી. ઝડપથી પીડિતાને ન્યાય મળે અને એક દાખલારૂપ સજા ફટકારવામાં આવે, જેથી કરીને ડોક્ટરોને પણ પોતાની સુરક્ષાનો અહેસાસ થાય.