રિપોર્ટ@સુરત: મોબાઇલના માલિકે કમિશન લાલચ આપી 32 લાખની ઠગાઈ આચરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ચોકબજારમાં આવેલી મિસ્ટર મોબાઇલના માલિકે કમિશન આપવાની લાલચ આપી સિંગણપોરના વેપારી પાસેથી 16 જેટલા ક્રેડિટ કાર્ડ મેળવી તેનાથી રૂ.20.05 લાખના ફોન ખરીદ્યા બાદ તેના નાણા તથા કાર્ડના ચાર્જીસ મળી કુલ રૂ.32.80 લાખ નહીં ચુકવી છેતરપિંડી કર્યાનો બનાવ બન્યો છે.
ડભોલી રોડ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ચિરાગ કલ્યાણભઈ કાચરીયા ભટાર રોડ રાજહંસ ઓલમ્પિયામાં આવેલ એપલ કંપનીની ડીલરશીપ ધરાવતી પેઢીના મોબાઈલ સ્ટોર્સમાં નોકરી કરે છે. ચિરાગ મોબાઇલ લે-વેચ પણ કરતો હોવાથી તેનો પરિચય અરફાત મહેબુબખાન પઠાણ (રહે,ગોપીપુરા ખ્વાજાદાના દરગાહ પાછળ સુખી મહોલ્લો) સાથે થઈ હતી.
લાલચમાં આવી ગયેલા ચિરાગે એપ્રિલ 2023માં પોતાની પત્ની, માતા પિતા, સબંધી વગેરે પાસેથી કુલ 16 જેટલા ક્રેડિટ કાર્ડ લઇને અરફાતને આપ્યા હતા. એપ્રિલથી જુન 2023 સુધી તેણે ટ્રાન્ઝેકશન કરીને ચિરાગને કમિશનના નાણા આપ્યા હતા. જોકે,બાદમાં તેણે આ ક્રેડિટ કાર્ડ મારફતે રૂ.20,05,000ની કિંમતના મોબાઇલ ફોન ખરીદ્યા હતા. બાદમાં તેણે બિલ જમા કરાવ્યા ન હતા. અરફાતે ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરતા બેંકે નવ મહિનાના રૂ.12,75,000 ચાર્જ લગાવ્યો હતો. આખરે ચિરાગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.