રિપોર્ટ@સુરત: 62થી વધુ વિવર્સો પાસેથી 4.48 કરોડથી વધુની ઠગાઈ, જાણો વધુ વિગતે
માસ્ટર માઇન્ડ ખેલુ જાટની હરિયાણાની ભીવાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઈકો સેલની ટીમે કબજો મેળવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેતરપિંડીનાં ગુના ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીનાં બનાવો સામે આવતા હોય છે. સુરત શહેરના 62થી વધુ વિવર્સો પાસેથી 4.48 કરોડથી વધુનો ગ્રે કાપડનો માલ ઉચકીને પેમેન્ટ નહિ ચુકવી ઠગાઈ આચરનાર ટોળકીના માસ્ટર માઇન્ડ ખેલસિંહ ઉર્ફે ખેલુ જાટની હરિયાણાની ભીવાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઈકોસેલની ટીમે કબજો મેળવી સુરતના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
કાપડ વેપારી ફેનીલ પંકજ સામકશ્વરલાલે આ ટોળકી વિરૂદ્ધ પોતાની સાથે 31.25 લાખની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ તપાસમાં આ ટોળકીએ કુલ 62 વિવર્સો સાથે 4.48 કરોડની ઠગાઈ આચરી હોવાની વિગતો તપાસમાં આવી હતી. પોલીસની તપાસમાં મુખ્ય સુત્રધાર ખેલસિંહ ઉર્ફે ખેલુ ઉર્ફે કરણ વર્મા ઉર્ફે રાકેશસિંહ મલીકસિંહ જાટ હોવાનું જાણવા મળ્યું હતું. સુરત ઈકો સેલે આ ટોળકીના ખેલસિંહ ઉર્ફે ખેલુ, કૈલાશ બેનીવાલ, અભિજીત સરકાર, સત્યજીત સરકાર તથા કાપડ દલાલ કૌશિક વ્યાસ, અનિલ કંચનલાલ ડાકોરીયા અને મહેશ ગંગારામ શર્માની તપાસ શરૂ કરી હતી. ઈકો સેલની તપાસ હરિયાણા સુધી લંબાઈ હતી.
હરિયાણાની ભીવાની જેલમાંથી મુખ્ય સુત્રધાર ખેલસિંહ સુરત ઈકોસેલે ટ્રાન્સફર વોરટથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં વધુ વિગતો મળી હતી કે, હત્યાની કોશિષના ગુનામાં ખેલસિંહ હરિયાણા જેલમાં બંધ હતો. આરોપી ખેલસિંહ રાકેશસીંગ સોઢી તરીકે ખોટું નામ ધારણ કરી પારકો અક્ષપોર્ટ પ્રા.લી. કંપનીના નામથી બીજાના નામે દુકાન/મિલ્કતો ભાડે રાખી કોઇપણ જગ્યાએ પોતાની અસલ આઇ. ડી.નો ઉપયોગ કર્યા વગર પોતે પારકો અક્ષપોર્ટ પ્રાલી.કંપનીના કર્તા હર્તા અને સી.ઈ.ઓ. તરીકે હોવાનું કાપડના વેપારીઓને જણાવી ગ્રે કાપડનો માલ ખરીદ કરી ઠગાઈ આચરતો હતો. પોલીસ ત્રણ દિવસમાં રિમાન્ડમાં આરોપીની ઓળખ કરાવવા તેમજ આરોપી સાથે અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેમજ છેતરપડીમાં મેળવેલ નાંણા આરોપીએ ક્યાં સંતાડી રાખ્યા છે અથવા તો કયાં રોકાણ કર્યા છે તેની તપાસ કરવામાં આવશે.