રિપોર્ટ@સુરત: 500 કરોડ રૂપિયાથી વધુ રકમ બ્લૉક થઈ જતા વેપારીઓની હાલત કફોડી, બેન્ક ખાતાં ચાલુ કરવા પોલીસનું વસૂલી કૌભાંડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક જગ્યાઓ પર દરાડો પડતો હોય છે. સુરતના હિરા વેપારીઓ તથા જ્વેલર્સના ફ્રિઝ કરાયેલા બેન્ક ખાતા ફરી ચાલુ કરાવવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકની પોલીસ દ્વારા લાંચ માગવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અન્ય રાજ્યોમાં વેપાર કરતા આ વેપારીઓના બેન્ક ખાતા સાઇબર ફ્રોડના નામે ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે 500 કરોડ રૂપિયાથી વધુ રકમ બ્લૉક થઈ જતા વેપારીઓની હાલત કફોડી બની છે.
બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કર્યા બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસ અધિકારીઓ દ્વારા ફોન કરીને એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે 10થી 20 ટકા સુધી રૂપિયા માંગવામાં આવ્યા છે. 50માંથી 30 બેન્ક અકાઉન્ટ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફ્રિઝ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય કર્ણાટક પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. સામી દિવાળીએ જ હીરા વેપારીઓને ખરીદ-વેચાણના બિલની ચૂકવણી કરવાની હોય છે પરંતુ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના હીરા વેપારીઓએ મળીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી. આ પ્રકારની ઘટના એક વર્ષ પહેલા પણ બની હતી. હીરા વેપારીઓના મતે રૂપિયા પડાવવા માટે પોલીસ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. કેટલાક વેપારીઓને બેન્ક ખાતા ચાલુ કરાવવા માટે પોલીસને પૈસા ચૂકવવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
પોલીસ મળતિયાઓ દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવે છે સુરતના હીરા વેપારીઓ અને જ્વેલર્સ અન્ય રાજ્યોમાં વેપાર કરે છે. જ્યાં એકથી પાંચ વખત માલ મોકલ્યા બાદ પેમેન્ટની લેવડદેવડ થાય છે. પોલીસના મળતિયા માલ ખરીદનાર વેપારીના ખાતામાં નાણા ટ્રાન્સફર કરાવે છે. ટ્રાન્સફર થતા જ પોલીસ માલ ખરીદનારને ‘તમારા ખાતામાં સાઇબર ફ્રોડના નાણા ટ્રાન્સફર થયા’નું કહીને બેન્ક ખાતુ ફ્રિઝ કરી દે છે.આ રીતે સુરતના હીરા અને જ્વેલર્સના વેપારીઓના એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે છે. ત્યાર બાદ વેપારીને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને એકાઉન્ટ અનફ્રિઝ્ડ કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવે છે.
એ.રિધમ જેમ્સ , અનંતા ડાયમંડ, બેલી જેમ્સ પ્રાઈવેટ લિમિટેડ, જય એન્ટર પ્રાઈઝ, સુવિધા સ્ટોન, સિયા એન્ટરપ્રાઈઝ, ડિ.કે એન્ડ સન્સ, જય એક્સપોર્ટ, હેત્વી જેમ્સ, એમ.સાશી બદાલિયા એન્ડ સોન્સ પ્રાઈવેટ લિમિટેડ, ક્રિવા ઈમ્પેક્ષ, ઘેવરિયા ઈમ્પેક્ષ, મોક્ષ ડાયમંડ, શ્રીજી ડાયમંડ, એસએચકે ડાયમંડ, વીર ડાયમંડ, શ્રીક્રિષ્ના જેમ્સ, રિયા એક્સપોર્ટ, ધ્યાન એક્સપોર્ટ, નાવ્યા ઈમ્પેક્ષ, યશો ડાઈમ, વી.એચ એન્ટરપ્રાઈઝ, હીરાકો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જમકાર જેમ્સ, પરીખ એન્ટરપ્રાઈઝ, આનંદ જેમ્સ, ધ્રુવ જેમ્સ તથા અન્ય 21 કંપની.
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, પોલીસ દ્વારા જ તેમના મળતિયાના હસ્તે માલ ખરીદનાર પાર્ટીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે. ત્યાર બાદ ખરીદનાર પાર્ટી સાથે મોટા વ્યવહારો થયાં હોય તે બેન્ક એકાઉન્ટ જાણી જોઈને ફ્રિઝ કરવામાં આવે છે. ત્યાર બાદ પોલીસ દ્વારા જ ફોન કરીને બેન્ક એકાઉન્ટ ફરી શરૂ કરવા 10થી 20 ટકા સુધી રૂપિયાની માંગણી કરવામાં આવે છે. આ બાબતે કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી.આર પાટીલને પણ રજૂઆત કરવામાં આવી છે.
‘અગાઉ અનેક વેપારીએ પૈસા આપી ખાતા ચાલુ કરાવ્યા ’ સુરતના હીરા વેપારી દેવેન્દ્રભાઈએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના એક જ પોલીસ સ્ટેશનમાં 29 જેટલા હીરા વેપારીઓન બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થયા છે. એકાઉન્ટ અનફ્રિઝ્ડ કરવા માટે પોલીસ દ્વારા બોલવામાં આવે છે. જ્યારે હીરા વેપારી ત્યાં જાય ત્યારે તેમની પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવે છે. આ રીતે બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં રૂપિયા આપીને અનેક વેપારીઓએ પોતાના બેન્ક એકાઉન્ટ અનફ્રિઝ્ડ કરાવ્યા હતાં. ત્યાર બાદ તેમને ખબર પડી ગઈ કે હીરા વેપારીઓ રૂપિયા આપી રહ્યાં છે એટલા માટે એકાઉન્ટ અનફ્રિઝ્ડ કરવા માટેની રકમ વધારતા જાય છે.
ગુજરાતમાં ફરી એકવાર બોગસ કોલસેન્ટરનું ભૂત ધૂણ્યું છે. આ વખતે ગુજરાતની લોકલ પોલીસે નહીં પણ CBI એ અમદાવાદ સહિત રાજ્યમાં 35 જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યાની વિગતો સામે આવી છે. અમેરિકાની FBI ના ઈનપૂટ બાદ સેન્ટ્રલ એજન્સીએ પહેલાં ગોવા, કોલકતા, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાં દરોડા પાડ્યા બાદ તેનું પગેરું ગુજરાત સુધી પહોંચતા તપાસ શરૂ કરી છે. વિદેશી નાગરિકોને ઈન્સ્યોરન્સથી માંડીને લોન અને ક્રેડીટકાર્ડના બિલ સહિત અનેક નામે લૂંટનારા બોગસ કોલસેન્ટર અંગે અમેરિકાની ફેડરલ એજન્સી તરફથી ઈનપૂટ્સ મળ્યા બાદ ભારતની સેન્ટ્રલ એજન્સીએ તપાસ શરૂ કર્યાનું સુત્રોનું કહેવું છે. સૂત્રોનું કહેવું છે કે, ગુરૂવારે મોડી રાત્રે અમદાવાદના રામોલ વિસ્તાર સહિત રાજ્યના અલગ અલગ જગ્યાએ CBI ના લગભગ 350 અધિકારીઓ અને કર્મચારીઓએ સર્ચ શરૂ કર્યું છે. એક વિગત અનુસાર રાજ્યમાં 35 જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું છે જેમાં બોગસ કોલ સેન્ટર, સંચાલકોના ઘર સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. અનેક લોકોની ધરપકડ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, સર્ચ ચાલુ હોય CBI ના અધિકારીઓએ સત્તાવાર વિગતો માટે રાહ જોવા જણાવ્યું હતુ.
બીજી તરફ સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર અનેક ઠેકાણે ખાનગીમાં બોગસ કોલસેન્ટર શરૂ થઈ ગયા હતા. જે વિદેશી નાગરીકોને અલગ અલગ પ્રલોભન કે ધમકી આપીને રૂપિયા પડાવી ઠગાઈ કરતા હતા. બોગસ કોલસેન્ટરમાંથી સૌથી વધુ અમેરિકન નાગરીકો સાથે ઠગાઈ થતી હતી, જે અંગે ભૂતકાળમાં પણ અમેરિકાની FBI (ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન) દ્વારા ગુજરાત પોલીસને ઈનપૂટ્સ આપવામાં આવ્યા હતા. આ વખતે દેશભરમાં ફેલાયેલા નેટવર્ક અંગે CBI ને આપવામાં આવેલા ઈનપૂટ્સ બાદ કાર્યવાહી શરૂ કરાઈ છે. આંગડિયાપેઢીના હવાલાની તપાસ પણ થશે સૂત્રોનું કહેવું છે કે, હાલ બોગસ કોલસેન્ટર અને તેના સંચાલકો અંગે તપાસ કરાઈ રહી છે. આગામી દિવસોમાં તેમના દ્વારા પાડવામાં આવેલા હવાલા નેટવર્કનો પણ પર્દાફાશ થશે. CBI ની ટીમ પાસે માહિતી છે કે, મોટાભાગના હવાલા રાજ્યની કેટલીક આંગડિયાપેઢીઓમાંથી પાડવામાં આવ્યાં છે. જેમાં પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.