રિપોર્ટ@સુરત: આજે 4 ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરો તેમના વતન પરત ફર્યા

શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાં ઉનાળુ વેકેશનની શરૂઆત અને પરપ્રાંતિયોમાં વતન જવાની હોડ વચ્ચે આજે 21 એપ્રિલ મંગળવારે ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર માનવ મહેરામણ ઉમટ્યું હતું. શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે. આજે એક જ દિવસમાં 4 વિશેષ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતાં.

ગત રવિવારે થયેલી અફરાતફરી બાદ રેલવે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું. મુસાફરો મંગલવાર રાતથી જ સ્ટેશન પર ધસી આવ્યા હોવાથી તેમને પ્લેટફોર્મ પર ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખવામાં આવ્યા હતાં. ટ્રેન આવવાના સમયે મુસાફરોને લાઈનબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે કોચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ વ્યૂહરચનાને કારણે આજે કોઈ મોટી દુર્ઘટના કે ધાંધલ-ધમાલ જોવા મળી નહોતી.

સુરતમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજાઓ પડી ગઈ છે, સાથે જ હીરા અને કાપડના કેટલાક એકમોમાં પણ રજાનો માહોલ છે. બીજી તરફ, યુદ્ધની વૈશ્વિક સ્થિતિને કારણે રાંધણગેસની અછત ઉભી થતા શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પરિબળોને કારણે આજે યુપી અને બિહાર તરફ જતી ચારેય સ્પેશિયલ ટ્રેનો પેક થઈને રવાના થઈ હતી.

મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઉધના સ્ટેશન પર પોલીસનો કાફલો ખડેપગે રહ્યો હતો. RPF અને GRP ના જવાનોએ હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી મોનિટરિંગ કર્યું હતું.

રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને ભીડનું સંચાલન કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને જોતા હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે તેવી તૈયારીઓ છે.