રિપોર્ટ@સુરતઃ માતાએ પોતાની 2 દીકરીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરના ડભોલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ માતા અને બંને પુત્રીઓ સ્મીમેર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના ડભોલી વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા મનસુખભાઈ  બુધવારે બપોરે ઘરે જમવા આવ્યા હતા. પત્ની અને બાળકો સાથે ખુશી-ખુશી જમ્યા બાદ તેઓ પરત કારખાને ગયા હતા. જોકે, તેમના ગયા બાદ કીર્તિબેને ઘરમાં રહેલી અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પી લીધી હતી.

ઝેર ગટગટાવ્યા બાદ કીર્તિબેને પતિને ફોન કરીને ચોંકાવનારી જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારે હવે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે. આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક પોતાના પિતરાઈ ભાઈને જાણ કરી ઘરે દોડવા કહ્યું હતું. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું.

ઘટનાસ્થળે પહોંચેલા ભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે હું રૂમમાં ગયો ત્યારે બંને માસૂમ દીકરીઓ બેડ પર બેસીને રડતી હતી, જ્યારે બેન તેમની સામે જ બેભાન હાલતમાં પડ્યા હતા. મોટી દીકરીએ રડતા રડતા કહ્યું હતું કે, મમ્મીએ અમને દવા પીવડાવી અને પછી પોતે પણ પી લીધી. મને ઉલટી પણ થઈ છે. તાત્કાલિક ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં માતા ICUમાં અને બંને બાળકીઓ PICU વોર્ડમાં દાખલ છે.

પરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું હતું કે, આગામી રવિવારે મહુવા ખાતે સંબંધીના લગ્ન હોવાથી આખો પરિવાર વતને જવાનો હતો. તે માટે કપડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરી લેવામાં આવી હતી. ઘરમાં પ્રસંગનો માહોલ હતો, પરંતુ તે પહેલા જ બુધવારે આ અઘટિત ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

જયસુખભાઈના જણાવ્યા અનુસાર, પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી રસોઈ બનાવવા બાબતે કે જમવા બાબતે તેમજ અન્ય નાની-મોટી ઘરગથ્થુ બાબતોમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલ સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.