રિપોર્ટ@સુરત: પેટ્રોલિંગમાં નીકળેલા PIએ વકીલને લાત મારી, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતમાં પોલીસકર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રે ડીંડોલીમાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઈન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઊતરીને કારના દરવાજા પાસે ઊભેલા વકીલને જોરદાર લાત મારી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ લઈ છે. આ મામલે વકીલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. તો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો. જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું. હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પેટ્રોલિંગમાં નીકળેલા ડીંડોલીના સેકન્ડ પીઆઈ એચ. જે. સોલંકી દ્વારા વકીલને લાત મારવા મામલે કોઈ કાર્યવાહી ન થતાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્યો પીઆઈ વિરુદ્ધ રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા.
એસોસિએશન તરફથી માંગણી કરવામાં આવી હતી કે, ડીંડોલી પોલીસ સ્ટેશનનાં PI એચ. જે. સોલંકી તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કૃત્ય તેમજ કાયદાનો દુરઉપયોગ બાબતે પોલીસ કસૂરવાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરે. સાથે તાત્કાલીક પુરાવા મેળવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ સાથે વકીલ ઉપર થયેલા અત્યાચારની તપાસ યોગ્ય ઉચ્ચ અધિકારી પોતાના તાબા હેઠળ રાખી કોઈની પણ શેહસરમમાં આવ્યા વગર તટસ્થ તપાસ કરે. સુરત શહેરમાં વકીલો ઉપર સતત હુમલાઓ પોલીસ અને પોલીસનાં માણસો દ્વારા થઈ રરહ્યાં છે.
ફરિયાદી વકીલ હિરેન નાઈએ જણાવ્યું હતું કે, અમે આજે પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા અને મારી સાથે જે ઘટના બની છે તે અંગે તમામ જાણકારીઓ અમે આપી છે. અમને પોલીસ અધિકારી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે બે દિવસ દરમિયાન આ અંગે તપાસ કરવામાં આવશે. તપાસમાં શું આવ્યું છે તે અંગેની માહિતી બે દિવસ બાદ અમને આપવામાં આવશે. અમે આ સમગ્ર મામલે કાયદાકીય તપાસ કરવા માટે જણાવ્યું હતું. સાથે યોગ્ય પગલા ભરવામાં આવે તે માંગણી કરી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ, 18 ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ 12:15 વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈ ડિંડોલી મધુરમ સર્કલ સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા. તે જ સમયે રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. જે. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી, જે વીડિયોમાં પણ જોઈ શકાય છે. એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે. હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.
આ મામલે હિરેન નાઈ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, હું ઓફિસથી નીકળીને કારમાં જઇ રહ્યો હતો. મારી સાથે વરિષ્ઠ વકીલ સચિન ઘુગે અને સાથી વકીલ પાર્થ દેવરા પણ હાજર હતા. ક્લાયન્ટની સલાહ લેવામાં થોડો સમય લાગ્યો હતો. તે જ સમયે પોલીસની ગાડી આવી પહોંચી હતી અને કારમાંથી નીચે ઊતરતા જ પીઆઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, તમે અહીં શું કરો છો? જેથી મેં કહ્યું કે, હું વકીલ છું અને કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન પીઆઈ સોલંકી નજીક આવ્યા હતા અને લાત મારી હતી. સાથે સોલંકીએ કહ્યું હતું કે, તમે વકીલ છો તો?
આ મામલે પીઆઈ સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું નાઇટ પેટ્રોલિંગમાં હતો. રાત્રે લોકોનાં ટોળાં એકઠાં થતાં અટકાવવાની જવાબદારી મારી છે. લોકોમાં ગુનાનો ભય દૂર થવો જોઈએ. આ રાતે પણ હું ફરજમાં હોવાથી કાર લઈને ગયો હતો. મેં તેને બે-ત્રણ વાર પૂછ્યું, પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં તે તેઓ વકીલ છે. તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો નહોતો. તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો. જે બાદ મારે આવું કરવા મજબૂર થવું પડ્યું હતું.
આ મામલે વરિષ્ઠ એડવોકેટ સચિન ઘુગે સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાત્રે 11:30 વાગ્યે સિનિયર એડવોકેટ ઘરે જવા નીકળ્યા હતા. હિરેન ડિંડોલીના નવાગાંવનો રહેવાસી છે. રવિવારે ભારે કામકાજના કારણે તેઓ રાત્રે તેમની ઓફિસમાં હાજર હતા. પોલીસના વિરોધમાં આજરોજ (20 ઓગસ્ટ) અમે રેલી કાઢવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરી હતી. બીજા 21 ઓગસ્ટે દિવસે કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવશે.