રિપોર્ટ@સુરત: PI 3 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી

હનીટ્રેપના ગુનામાં કલમો હળવી કરવા રૂ. 10 લાખ માગ્યા
 
 રિપોર્ટ@સુરત: PI 3 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનનો પીઆઈ પ્રવિણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. એટલું જ નહિ પીઆઈ પ્રવિણસિંહ જાડેજા સંપતિની પણ તપાસ સુરત એસીબી કરશે.

ઘટનાની વિગત મુજબ, સુરતના કીમ પોલીસ મથકની હદમાં એક મહિના અગાઉ હનીટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસની તપાસ કીમ પીઆઈ પ્રવિણસિંહ હરનાથસિંહ જાડેજા કરી રહ્યા હતા.

તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને ગુનામાં 'ગુજસીટોક' જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલીયા મારફત આરોપીના ભાઈ પાસે 10 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી.

એસીબીના આસિસ્ટનટ ડાયરેકર આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડી. એન. પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ વી. ડી. ચૌધરીએ કીમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવ્યું હતું. વકીલ ચિરાગ ગોંડલીયા મારફત જ્યારે 3 લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા, ત્યારે જ એસીબીએ પીઆઈ પ્રવિણસિંહ જાડેજા અને વકીલને ઝડપી લીધા હતા.

પીઆઈ પ્રવિણસિંહ જાડેજા 2013માં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થયો હતો. તે હાલ કીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતો હતો. એસીબીની પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી 90 હજારની જ્વેલરી મળી આવી છે. જોકે, એસીબીએ હવે આ મામલે વધુ આક્રમક તપાસ હાથ ધરી છે. પીઆઈના કીમ ખાતેના નિવાસસ્થાન અને તેમના વતન કચ્છ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા માટે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગતો ખંગાળવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 15મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર CID ક્રાઇમના પીઆઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા. આમ, માત્ર 96 કલાકની અંદર રાજ્યના બે મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા પીઆઈ સ્તરના અધિકારીઓ લાંચ લેતા પકડાતા પોલીસની છબી ખરડાઈ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટનાને પગલે અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. એસીબીની આ કાર્યવાહી એ સાબિત કરે છે કે પોલીસ યુનિફોર્મની આડમાં ચાલતા ભ્રષ્ટાચારને હવે સહન કરવામાં આવશે નહીં.