રિપોર્ટ@સુરત: ધોળા દિવસે યુવકની જાહેરમાં હત્યા કરનાર 2 આરોપીને પોલીસે દબોચ્યા

તલવારના ઘા ઝીંકી દીધા હતા
 
રિપોર્ટ@સુરત: ધોળા દિવસે યુવકની જાહેરમાં હત્યા કરનાર 2 આરોપીને પોલીસે દબોચ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ઇસમો ખુલ્લે આમ મર્ડર કરી રહ્યા છે. સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખે છે. સુરતમાં ધોળે દિવસે ભરચક વિસ્તાર ઉધના લક્ષ્મીનારાયણ મંદિરની સામે મેઇન રોડ પર યુવકની કરપીણ હત્યા કરાઈ હતી. 6 જેટલા હત્યારાઓ બોલેરો પિકઅપમાં આવી સ્કોર્પિયો કારને આંતરી ભત્રીજાને બહાર કાઢી રોડ પર દોડાવીને તલવારના ઘા ઝીંકી દીધા હતા. હત્યારાઓએ તલવાર અને ચપ્પુથી ભત્રીજાનો હાથ, કાન અને ગળું કાપી નાખી બેરહમીપૂર્વક હત્યા કરી હતી. ઉધના પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લઈ હત્યારા કાકા ભાવસિંહ સહિત છ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. એમાં બે હત્યારા કાલુસિંહ અને મોહનસિંહને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક હત્યારા ગોપાલસિંહને પગમાં ગંભીર ઈજા થઈ હતી.


પાંડેસરા વડોદ ગામે ગણેશ નગરમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા 37 વર્ષીય ભજનસિંહ રમેશસિંહ ચીકલીગર ગુરુવારે બપોરે ઉધના બહેનને ત્યાં જમવા ગયો હતો. જમીને પરત જતા રસ્તામાં લક્ષ્મીનારાયણ મંદિરની સામે મેઈન રોડ પરથી પસાર થતા હતા. એ વખતે સગા કાકા ભાવસિંહ અને તેના જમાઇ બલદેવસિંહ સહિત 4 જણાએ તેની રેકી કરી મોકો મળતાં હત્યાને અંજામ આપ્યો હતો.


એક મહિના પહેલાં મહારાષ્ટ્રના પુણેમાં મૃતક અને તેના કાકા બન્ને પરિવારજનો સાથે ભજનસિંહની સાળીના લગ્નમાં ગયા હતા, જ્યાં દારૂના નશામાં છાંકટા બનેલા કાકા-ભત્રીજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ભત્રીજા ભજનસિંહે કાકા ભાવસિંહને કિરપાણ મારી દીધું હતું. એમાં કાકાએ પુણે પોલીસમાં ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુરત આવ્યા પછી બન્નેએ સમાધાન કરી લીધું હતું.


સમાધાન કર્યા પછી કાકા ભાવસિંહે ભત્રીજા ભજનસિંહના ઘરે 3 વખત માથાકૂટ કરી હતી. એમાં 23મી માર્ચે ભજનસિંહના ઘરે તોડફોડ કરી માતાને માર માર્યો હતો. એના કારણે મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો હતો. પરિવારે ઉધના વિસ્તારમાં હત્યા કરનાર ચાર આરોપી અને તેને સપોર્ટ કરનાર છ સામે ગુનો નોંધાવ્યો છે, જે પૈકી બેને પાંડેસરા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પુણેના લગ્નપ્રસંગમાં થયેલા હુમલાની અદાવત સાથે જ ધંધાની અદાવત હત્યા સુધી લઈ ગઈ છે. બે આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ચાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ કામે લાગેલી છે.