રિપોર્ટ@સુરતઃ આજે PM મોદી રૂ.18,778 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે

ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નિહાળશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાંથી સીધા બપોરે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો  પ્લાન્ટની મુલાકાત માટે રવાના થશે. હજીરા ખાતે પીએમ મોદી 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.

કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે. ત્યાર બાદ તેઓ 6.15 વાગ્યા આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે. જ્યાં તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ લોકાર્પણથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓ આગામી સમયમાં વધુ સુદ્રઢ અને આધુનિક બનશે.

પીએમ મોદી હજીરા ખાતે L&Tના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટની મુલાકાત દરમિયાન ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરનાર 'જોરાવર લાઈટ ટેન્ક'નું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવેલી આ લાઈટ યુદ્ધ ટેન્ક લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા  જેવા અતિ ઊંચાઈ ધરાવતા અને દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં દુશ્મનોને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. 19મી સદીના પ્રખ્યાત ડોગરા જનરલ જોરાવરસિંહના નામ પરથી સન્માનિત આ ટેન્કનું વજન માત્ર 25 ટન છે. ઓછા વજનના કારણે આ ટેન્કને ભારતીય સેનાના વિમાન કે હેલિકોપ્ટર મારફતે પહાડી વિસ્તારોમાં સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે.

સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા ચકાસવા માટે પીએમ હજીરામાં આવેલી પ્રખ્યાત 'કે9 વજ્ર હાઉઝર ગન' મેન્યુફેક્ચરિંગ ફેસીલીટીની પણ મુલાકાત લેવાના છે. ભારતીય સેનાના ભાથામાં સામેલ આ અત્યાધુનિક 155 મીમી 52 કેલિબરની સ્વ-સંચાલિત હોવિત્ઝર તોપ તેની સચોટ મારક ક્ષમતા માટે જાણીતી છે. યુદ્ધના મેદાનમાં ભારે વજન હોવા છતાં અત્યંત ઝડપથી આગળ વધવાની અને ગમે તેવા વિષમ વાતાવરણમાં દુશ્મનના સૈન્ય પર પલકવારમાં ત્રાટકવાની આ તોપની ક્ષમતા તેને ભારતીય સૈન્યનું અભિન્ન અંગ બનાવે છે, જેનું નિર્માણ ગૌરવપૂર્વક ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે.