રિપોર્ટ@સુરત: કાર ચાલક મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા BRTSના રૂટમાં ઘૂસી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડિઝ કારનો અકસ્માત સર્જાયો હતો. કારચાલક મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માતના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગતરોજ રાત્રે 10 વાગ્યા બાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવીનક્કોર 70 લાખની મર્સિડિઝ કાર લઈને પસાર થઈ રહી છે. આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબ્લિટી ઓછી થઈ ગઈ હતી.
મિની વાવાઝોડા સાથે રસ્તા પર ધૂળની ડમરીઓથી ઓછી વિઝિબ્લિટીને લઇ મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું મહિલાએ જણાવ્યું હતું. મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર બીઆરટીએસની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જેને પગલે કારણે એરબેટ ખુલી જતા મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.