રિપોર્ટ@સુરતઃ યુવકે ઝેર પીને વીડિયો બનાવી જીવન ટૂંકાવ્યું, કયા કારણે આવું પગલું ભર્યું ?

ટેન્શનમાં રહેતા યુવકે આપઘાતનું પગલું ભરી લીધું હતું. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાંથી ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. યોગીચોકના યુવકે ઝેર પીને વીડિયો બનાવી જીવન ટૂંકાવી લીધું છે. દિવાળી પહેલા હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયા માથે થઈ ગયા હતા. જેથી લેણદારોના ફોન આવતા તેમણે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. તેથી ટેન્શનમાં રહેતા યુવકે આપઘાતનું પગલું ભરી લીધું હતું. પાટીદાર હીરા દલાલે ઝેર પીધા બાદ અલગ અલગ ત્રણ વિડીયો બનાવ્યા હતા. જેમાં તેણે રડતા રડતા કહ્યું હતું કે, મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ યોગીચોક વિસ્તારમાં આવેલ શગુન રેસીડેન્સીમાં 40 વર્ષીય સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા.

સંદીપભાઈ કાપોદ્રા વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટીમાં આવેલી એક હીરાની ઓફિસમાં કાટીમાં નોકરી કરતા હતા. દિવાળી પહેલા સંદીપભાઈ હીરા દલાલીનું કામકાજ કરતા હતા. આ દરમિયાન તેને અંદાજે તેના પર 50 લાખ રૂપિયાનું માથે દેવું થઈ ગયું હતું. જેથી લેણદારો અનેક વખત તેને ફોન કરીને રૂપિયા માગતા હતા.

વારંવાર વાયદાઓ કર્યા બાદ સંદીપભાઈ પાસે તેઓને આપવા માટે કોઈ જવાબ બચ્યા ન હતા. જેથી ટેન્શનમાં આવીને તેઓએ ઓફિસમાં ઝેર પી લીધું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ સંદીપભાઈનું મોત નીપજ્યું હતું. થોડાક દિવસ પહેલા પણ સંદીપભાઈએ તેના મોટા ભાઈને આ બાબતે વાત કરી હતી કે, મારી પાસે તેઓને આપવા માટે કોઈ જવાબ પણ નથી બચ્યા.

મેં દવા પી લીધી છે, મને બધા માફ કરજો મારી ભૂલ થઈ ગઈ છે. હું કોઈના પૈસા નથી દઈ શકું એમ અત્યારે તાત્કાલિક... પરંતુ તમે બધા માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ હતી. મેં અનાજમાં નાંખવાનો પાઉડર પી લીધો છે. એમાં મારા ઘરવાળાનો બિલકુલ વાંક નથી. મારા ભાઈઓ પણ સારા છે, મારું આખું ઘર સારું છે. હવે જીવવું એ કંઈ ઉંમર નથી, રોજ મને એટલું ટેન્શન છે ને... મને માફ કરજો બધા.

હું આ લેણાવાળાથી કંટાળી ગયો છું. હું મારી જાતે આપઘાત કરું છું. મારા ઘરમાં કોઈનો વાંક નથી, મારા ઘરવાળા બધા સારા છે. ટપ્પુ તું મને માફ કરજે. છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે. હું જવાબ નથી દઈ શકતો લોકોને. બહુ ટેન્શનમાં છું, મારાથી જીવાતું નથી. પપ્પા મને માફ કરજે. મારા ઘરવાળા બધા સારા છે, એનો કોઈનો વાંક નથી. હું મારી જાતે કરું છું, કારણકે મારાથી જવાબ નથી દેવાતા. મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક. ઘરવાળાને કહી નથી શકતો.