રિપોર્ટ@સુરત: તાપી નદીમાં યુવકે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી, જાણો સમગ્ર ઘટના

આ યુવકે કયા કારણસર આ અંતિમ પગલું ભર્યું એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે આ મામલે તપાસ તેજ કરી હતી.
 
રિપોર્ટ@સુરત: તાપી નદીમાં યુવકે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાંથી હદય કંપાવી ઊઠે એવી આત્મહત્યાની ઘટના સામે આવી છે.સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફાયર વિભાગે બોટ લઈને તાપી નદીમાં સઘન શોધખોળ કરતાં યુવકનો મૃતદેહ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરત ફાયર વિભાગને પહેલા કપલ તાપી નદીમાં કૂદ્યું હોવાનો કોલ મળ્યો હતો. જ્યારે બ્રિજ પર પણ એક જ વ્યક્તિના ચપ્પલ હોવાથી અને તાપી નદીમાંથી એક યુવકનો જ મૃતદેહ મળવાથી એક જ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

મૃતક યુવકની ઓળખ 39 વર્ષીય ગિરીશ ગણપત પરમાર  તરીકે થઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવક આજે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ તાપી નદીમાં છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. બ્રિજ પરથી તેના ચપ્પલ પણ મળી આવ્યા હતા. મૃતકને સંતાનમાં બે પુત્ર છે અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જોકે આ યુવકે આપઘાત કયા કારણસર કર્યો છે તે હાલમાં જાણી શકાયું નથી. જોકે કામ કરવા બાબતે પરિવારના સભ્યોએ ઠપકો આપતા તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

મળતી માહિતી મુજબ, આજે સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે યુવક સવજી કોરાટ બ્રિજ પર આવ્યો હતો અને અચાનક જ કોઈ અગમ્ય કારણોસર તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યાંથી પસાર થતા લોકો આ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને સમય સૂચકતા વાપરી તરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતાને જોતાં મોટા વરાછા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી પોતાની ટીમ અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટની મદદથી નદીના વહેણમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી વધુ સમયથી ફાયરની ટીમ નદીમાં સર્ચ-ઓપરેશન ચલાવ્યું હતું અને અંતે યુવકનો મૃતદેહ મળ્યો હતો. નદીના ઊંડા પાણીને લીધે શોધખોળમાં મુશ્કેલી પડી હતી.

આ યુવકે કયા કારણસર આ અંતિમ પગલું ભર્યું એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે આ મામલે તપાસ તેજ કરી હતી.