રિપોર્ટ@સુરત: બોગસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ, જાણો વધુ વિગતે

પહેલાં ખંડેર હાલતમાં થિયેટર હતું તેને 15 દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી
 
રિપોર્ટ@સુરત: બોગસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું. પહેલાં ખંડેર હાલતમાં થિયેટર હતું તેને 15 દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી. જેમાં એકપણ ફાયર એક્સ્ટિંગુઈસર લગાવવામાં નહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી. જેથી એક દિવસ પહેલા જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવી છે.

સંચાલકે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા બનાવી અને સુરત શહેરના CP અને ક્રાઇમ JCPની જાણ બહાર આમંત્રણ પત્રિકામાં તેમનાં નામ પણ છાપી માર્યાં. આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

જિલ્લા અધિકારીને પણ હોસ્પિટલ શરૂ કરતા પહેલાં લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું. જેથી હવે નિયમ મુજબ ટીમ બનાવીને હોસ્પિટલ વિઝિટ કરી અને દંડની કાર્યવાહી કરાશે. જો નિયમ પ્રમાણે અને ટ્રેન્ડ સ્ટાફ નહીં હોય તો FIR સહિત સીલિંગની કામગીરી પણ કરવામાં આવશે. હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી દેતા 24 કલાકમાં ફૂટેલા ભાંડાથી હોસ્પિટલને તાળાં લાગી ગયાં છે.