રિપોર્ટ@સુરત: સીલ સ્કૂલનું વિદ્યાર્થીઓએ હથોડી-પથ્થરથી તાળું તોડી પ્રવેશ કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવે છે. સુરતના ઉધના વિસ્તારમાં છત્રપતિ શિવાજી મરાઠી સ્કૂલ છેલ્લા એક મહિનાથી NOC અને બીયુ પરમિશનની કાર્યવાહીના કારણે સીલ હતી. જોકે, તંત્રએ આ અંગે કોઈ યોગ્ય પગલાં ન લેતા વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય અંધકારમાં જતું લાગ્યું. જેના કારણે આજે સ્કૂલે જઈને વિદ્યાર્થીઓએ હથોડી-પથ્થરથી તાળું તોડી પ્રવેશ કર્યો. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે.
સુરત શહેરના તમામ શાળાઓમાં હાલ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ, ઉધનાની ગ્રાન્ટેડ મરાઠી મિડીયમ છત્રપતિ શિવાજી હાઇસ્કુલ હજુ સુધી શરૂ થઈ નહોતી કારણ કે, એક મહિના અગાઉ ફાયર NOC સહિતના કાગળો ન હોવાથી સ્કૂલને અધિકારીઓ દ્વારા સ્કૂલને સીલ મારવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દરરોજ સ્કૂલ ક્યારે શરુ થશે? તેની તપાસ કરવા માટે આવતા હતા પરંતુ, સ્કૂલ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા અંતે વિદ્યાર્થીઓએ ભણવા માટે સીલ સ્કૂલનું તાળુ તોડીને સ્કૂલમાં પ્રવેશ કર્યો.
સુરતમાં 917 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ અંધકારમાં છે. છેલ્લા એક મહિનાથી આ તમામ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈ ચિંતામાં છે. આ વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે એ મોટો પ્રશ્ન છે. ગ્રાન્ટેડ શાળાના આ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલવા માટે હાલ શિક્ષણ વિભાગે જણાવ્યું છે પરંતુ, ચાલુ સત્રમાં કઈ શાળા આ મરાઠી મિડીયમના વિદ્યાર્થીઓને એડમિશન આપે એ અલગ સમસ્યા છે.
વિદ્યાર્થીઓ સોસાયટી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે લાંબા સમયથી પીસાઈ રહ્યા હતા કારણ કે, આ સ્કૂલ સોસાયટીના એક કોમન પ્લોટ પર સ્થિત છે. આ કોમન પ્લોટ ખાલી કરાવવા માટે સોસાયટીના લોકો હાઇકોર્ટ સુધી ગયા. જે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. છેલ્લા 35 વર્ષથી ઉધના જલારામ ખાતે છત્રપતિ હાઇસ્કુલ ચાલી રહી છે પરંતુ, એક મહિનાથી આ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. ટ્રસ્ટીઓ કોઈ યોગ્ય સ્થળે બાળકોને ભણવા માટે સ્થળાંતર પણ કરતા નથી. વાલીઓ સહિત વિદ્યાર્થીઓ શાળા શરૂ થવાની રાહ જોઈ બેઠા હતા ને શાળાના સંચાલકો શાળા શરૂ થવાના માત્ર વાયદા પર વાયદા જ કરી રહ્યા હતા.
આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શાળામાં ફાયર NOC ન હોય તો વિદ્યાર્થીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓની સમસ્યા અંગે અમને જાણ થઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જેથી, બાળકો ભણી શકે પરંતુ, શાળામાં ફાયર NOC સહિતના સર્ટીફીકેટ ન હોય તે પણ યોગ્ય નથી