રિપોર્ટ@સુરેન્દ્રનગર: શક્તિમાતા મંદિરે ખેલૈયાઓ મનમૂકીને આખી રાત ગરબે ઘૂમ્યા

જેમાં સફેદ ઘોડી, દેવી ભાગવત પુસ્તક, ત્રિશુલ, દ્વજદંડ, અખંડ જ્યોત અને 101 કળશ સાથે મંત્રોચ્ચાર થકી સ્થાપન વિધિ થઈ હતી.
 
રિપોર્ટ@સુરેન્દ્રનગર: શક્તિમાતા મંદિરે ખેલૈયાઓ મનમૂકીને આખી રાત ગરબે ઘૂમ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલુ છે. આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. પાટડીના પ્રાચીન શક્તિમાતા મંદિરે ખેલૈયાઓ મનમૂકીને આખી રાત ગરબે ઘૂમ્યા હતા. પાટડી શક્તિમાતાના મંદિરે નવરાત્રીના પ્રથમ દિવસે પાટીદાર સમાજની 101 બાળાઓ માતાજીનું સ્થાપન કર્યુ હતું. જેમાં સફેદ ઘોડી, દેવી ભાગવત પુસ્તક, ત્રિશુલ, દ્વજદંડ, અખંડ જ્યોત અને 101 કળશ સાથે મંત્રોચ્ચાર થકી સ્થાપન વિધિ થઈ હતી.

શક્તિમાતાની પ્રાગટ્યભૂમી એવા પાટડીના ઐતિહાસીક શક્તિમાતાના ચાચર ચોકમાં નવલી નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં પહેલા નોરતે સાંજે 6-30 કલાકે માતાજીની આરતી કરીને પ્રથમ વખત પાટીદાર સમાજની 101 દીકરીઓ દ્વારા પાંચ ભુદેવો, ડાકવાળા, ઢોલી, સફેદ અશ્વ સાથે પાટડી સ્ટેટ અને રાજવી પરિવાર સાથે નગરના વિશિષ્ઠ આગેવાનોની હાજરીમાં ગગનભેદી વૈદિક મંત્રોચ્ચારો સાથે પાર્મિક વિધીનુસાર માતાજીને ચાચર ચોકમાં તલવાર-દેવી ભાગવત પુસ્તક, અખંડ જ્યોત, ત્રિશુલ, અમર, સડી સાથે માતાજીની મૂર્તિની અનોખી રીતે સ્થાપના કરી હતી. ત્યારબાદ આરતી કરી એક ગરબો ગવડાવીને આયોજકો દ્વારા આ તમામ પાટીદાર સમાજની 101 દિકરીઓને બે મોંઘી ગીફ્ટ આપવામાં આવી હતી. અને મંદિરને નવલી નવરાત્રી માટે લાઈટ અને ડેકોરેશનથી અનોખી રીતે શણગારવામાં આવ્યું હતું.

જેમાં પાટડીના ઐતિહાસિક શક્તિમાતાના મંદિરે નવલી નવરાત્રીમાં આઠમની રાત્રે એક વાગ્યે માત્ર માલધારી સમાજના જ અનોખા ગરબા યોજાયા હતા. જેમાં પાટડી સહિત આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં માલધારી સમાજ ઉમટીને શ્રદ્ધાપૂર્વક માતાજીના ગરબા ગાવામાં લીન બની ગયા હતા.

પાટડી અને ધામાનું શક્તિ મંદિર એટલે શ્રધ્ધા, ભક્તિ અને માતૃત્વનો અનોખો સમન્વય. પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ અને દિ' ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામેં બાધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા.

એમાંય હરપાળદેવ જેવા મહાપ્રતાપી રણવીરની જીવનસંગીની બનનારા શક્તિદેવી એક જાજલ્યવાન વિરાંગના હતા. એમના વિરત્વને જોઇને ભલભલા વિરલા પણ મોંમા આંગળા નાખી જતા. શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતા નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતા. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતા. ગુજરાતમાં જે સમયે સોલંકી વંશના રાજાઓનું સાર્વભૌમત્વ હતુ. એ સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાયો છે. એવા સુવર્ણકાળમાં વિ.સં. 1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું.

પાટડીમાં બનેલા એક પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયુ એટલે તેઓ ત્યાંથી ચાલી નિકળ્યા અને વિ.સં. 1171 ચૈત્ર વદ 13ન‍ા દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતા.ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હ‍ાથમ‍ાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.

શક્તિમાના ધરતીમા સમાઇ ગયા બાદ હરપાળદેવ 16 વર્ષ ધામામાં પોતાનું શેષજીવન વિતાવે છે અને વિ.સં. 1186માં ધામ‍ામાં પોતાના દેહનો ત્યાગ કરે છે. પાટડી એ શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી અને ધામા એ શક્તિમાતાનું સમાધિસ્થળ છે. પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતુ એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતા આજે પણ પાટડીમાં અડીખમ ઉભા છે.