રિપોર્ટ@સુરત: બંધ મકાનને ટાર્ગેટ કરી 47 લાખ રૂપિયાની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

અઠવા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના પર્વ પર બંધ મકાનને આરોપીઓ ટાર્ગેટ કરી રહ્યા હતા.

 
રિપોર્ટ@સુરત: બંધ મકાનને ટાર્ગેટ કરી 47 લાખ રૂપિયાની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. સુરતમાં એક જ બિલ્ડિંગના બે મકાનમાં ચોરી કરનાર ત્રણ આરોપીની અઠવા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સૌપ્રથમ જે મકાનમાં ચોરી કરવા માટે ગયા હતા, ત્યાંથી માત્ર રૂ. 500 મળી આવ્યા હતા. જેના કારણે તેઓએ બીજા બંધ મકાનને ટાર્ગેટ કર્યું હતું અને ત્યાંથી 47 લાખ રૂપિયા આરોપીઓને મળી આવ્યા હતા. 47 લાખ રૂપિયાની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અઠવા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના પર્વ પર બંધ મકાનને આરોપીઓ ટાર્ગેટ કરી રહ્યા હતા.

સુરત શહેરના અઠવા વિસ્તાર ખાતે રહેતા શોએબ સોફા વાલા ઘરના દરવાજાને તાળું મારી રજા હોવાથી પોતાના પરિવાર સાથે રાજસ્થાન ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ત્રણ ચોરે તેમની બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો. જેમાં સૌપ્રથમ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા મકાનને ટાર્ગેટ કરી ત્યાં પ્રવેશ કર્યો, પરંતુ મકાનમાંથી કશું મળી આવ્યું નહોતું. માત્ર 500 રૂપિયાની ચોરી કરી આરોપીઓ બિલ્ડિંગથી નીચે ઉતરી ગયા હતાં. ત્યારે જ તેમની નજર એક બંધ મકાન પર પડી હતી. બંધ મકાન જોઈ ત્યાં પણ આરોપીઓએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઘરની અંદર પ્રવેશ કરી 47 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, અઠવા વિસ્તાર ખાતે આવેલા કોબા મસ્જિદ નજીક એક ઘરમાં ચોરી થઈ હતી. ફરિયાદી મોહમ્મદ સોએબ મૂળ રાજસ્થાનના નિવાસી છે. જ્યારે ચોરી થઈ ત્યારે તેઓ રાજસ્થાનમાં હતા. ચોરી અંગે તેમના સંબંધીઓએ તેમને જાણ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઘરનું તાળું તૂટ્યું છે, પરંતુ કેટલા એમાઉન્ટની ચોરી થઈ હતી, તે અંગે તેમને જાણકારી નહોંતી. રાજસ્થાનથી આવ્યા પછી તેઓએ ફરિયાદ લખાવી હતી, જેમાં કુલ 47 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જેમાં રોકડ રૂપિયા, મોબાઇલ અને દાગીના સામેલ હતા.

સાથે તેઓએ જણાવ્યું હતું કે, પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં અઠવા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અલ્તામસ ખાન જલગાવનો રહેવાસી છે, અન્ય આરોપી ફૈઝલ, તેમજ મોહમ્મદ ફૈઝની ધરપકડ કરવામાં આવી છે. ત્રણે આરોપીએ મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી ભુરા મુખ્ય આરોપી છે.

સાથે તેઓએ કહ્યું હતું કે આરોપીઓએ પહેલા આજ બિલ્ડિંગના ત્રીજા માળે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે આ ઘરમાં ચોરી કરવા ગયા, ત્યારે ત્યાં તેમને માત્ર 500 રૂપિયા જ મળી આવ્યા હતા. ત્યાર પછી એક બંધ મકાન તેમને પ્રથમ માળે જોવા મળ્યું અને આ મકાનમાં ઘૂસીને તેઓએ 47 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી 35 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહીં? તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.