રિપોર્ટ@સુરત: રેલવેમાં નોકરી કરતા યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો

 
 રિપોર્ટ@સુરત: રેલવેમાં નોકરી કરતા યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. સુરતમાં રહસ્યમયી મોતના બનાવોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સીમાંથી એક યુવકનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. એકલા રહેતા યુવકના મોતને 24 કલાક વીતી ગયા બાદ આસપાસના લોકોને જાણ થતા દરવાજો તોડીને યુવકના મૃતદેહને બહાર કઢાયો હતો. હાલ ડિંડોલી પોલીસે આ અંગે તાત્કાલિક ધોરણે તપાસની કાર્યવાહી શરૂ કરી છે.


મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સી ખાતે ફ્લેટ નંબર-410માં મૂળ રાજસ્થાનના 46 વર્ષીય પંકજકુમારસિંહ બંસિસિંહ એકલા રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે સંતાન છે. જે વતન રાજસ્થાન રહેતા હતા અને પંકજકુમાર સોનગઢ નજીક રેલવેમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા.પંકજકુમાર છેલ્લા ઘણા સમયથી માનસી રેસિડેન્સી ખાતે એકલા રહેતા હતાં. માનસી રેસિડેન્સીના ફ્લેટ નંબર-410માંથી પંકજકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આસપાસના લોકોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા યુવક નગ્ન અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. શરીરના નીચેનો ભાગ બેડ પર હતો જ્યારે માથાનો ભાગ નીચે જમીન પર અથડાયેલી હાલતમાં હતો.


શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. આધેડ આશરે 24 કલાકથી વધુ સમય પહેલા મૃત પામેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલાની જાણ ડિંડોલી પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી છે. યુવકના મોતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે, યુવક બેડ પર સૂવાની તૈયારી કરી રહ્યો હશે. નીચે બેડ હશે તેમ માનીને સુવા જતા તેનું માથું જમીન પર અથડાય જવાના કારણે તેનું મોત થયું હોવાની આશંકા સેવામાં આવી રહી છે. યુવકના શરીર પર બીજાના નિશાન નથી. જોકે માથાના ભાગે ઈજાના નિશાન છે.