રીપોર્ટ@કચ્છ: આખલાએ વૃદ્ધને શિંગડે ભરવીને અંદાજિત પાંચ ફૂટ સુધી ઉછાળ્યા

શહેરની શેરીઓમાં રખડતાં પશુઓને કારણે વારંવાર નાગરિકોને ઈજાઓ સહન કરવી પડે છે.
 
રીપોર્ટ@કચ્છ: આખલાએ વૃદ્ધને શિંગડે ભરવીને અંદાજિત પાંચ ફૂટ સુધી ઉછાળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ ખુબજ વધી ગયો છે. કચ્છમાં રખડતાં ઢોરનો ત્રાસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ગામની ગલીઓથી માંડીને શહેરની શેરીઓમાં રખડતાં પશુઓને કારણે વારંવાર નાગરિકોને ઈજાઓ સહન કરવી પડે છે. ત્યારે વધુ એક ગંભીર ઘટના ભુજમાં સામે આવી છે, જ્યાં આખલાએ વૃદ્ધને શિંગડે ભરવીને અંદાજિત પાંચ ફૂટ સુધી ઉછાળ્યા છે. હાલ વૃદ્ધની હાલત ગંભીર છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ ભુજ નજીક આવેલા પટેલ ચોવીસીના માધાપર ગામમાં રખડતા આખલાએ એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો. સરસ્વતી શાળા નજીકના રહેણાક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 66 વર્ષીય સામજી પ્રેમજી હીરાણી ગંભીર રીતે ઘાયલ થયા છે. રામજી હીરાણી ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી આવેલા આખલાને તેમણે લાકડી વડે દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આક્રમક બનેલા આખલાએ તેમના પર હુમલો કરી, શિંગડાથી ભેટી મારીને હવામાં ફંગોળી દીધા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હુમલામાં વૃદ્ધને કમરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે માધાપર નવા વાસના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર કચ્છમાં રખડતાં ઢોરોના કારણે વારંવાર નાગરિકોને ઈજાઓ સહન કરવી પડે છે, અને કેટલાક કિસ્સાઓમાં જીવ પણ ગુમાવવો પડે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે રખડતાં ઢોરને પકડવાની કામગીરી વેગવંતી બનાવવાની માંગ કરી છે.