રિપોર્ટ@ગુજરાત: નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની અસર વર્તાઈ, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. કાતિલ ઠંડી સાથે બર્ફિલા પવનો ફૂકાતા લોકો ઘરની ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે, તો બજારો પણ 10 વાગ્યા બાદ ખૂલી રહી છે. આ સાથે જ રાજ્યના સાત જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાયા છે. ઉત્તર દિશા તરફથી આવતા બર્ફિલા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાની હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફુંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખૂલવા લાગી છે. તો વહેલી સવારના બસ સ્ટેશન પર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાય છે. મોટા ભાગની બસ નહિવત મુસાફરો સાથે ઊપડે છે. આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે, તેમ તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર તેની ગંભીર અસર થશે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત જિલ્લાનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું હતું. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 10.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 10.4 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીનું 10 ડિગ્રી સેલ્સિયસ, ભુજનું 11.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસાનું 8.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરનું 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ભરશિયાળા વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. ક્રિસમસ અને ન્યુ યરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો લાંબો ચાલશે. આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે. ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે.
છેલ્લાં 3 દિવસથી રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનો ચાલી રહ્યા હતા, જેની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 14 ડિગ્રીની આસપાસ રહેતો હતો. પરંતુ, શનિવારથી ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનો શરૂ થયા છે, જેની અસરોથી શનિવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શહેરમાં સવારથી 15થી 20 કિલોમીટરની ગતિના કાતિલ ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો 12.5 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઠંડા પવનો વચ્ચે દિવસ દરમિયાન તડકો રહેતાં મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી જેટલું યથાવત્ રહ્યું હતું. આમ, શહેરમાં કાતિલ ઠંડા પવનો અને તડકાને કારણે છાંયામાં ઊભા રહેતાં ઠંડી અને તડકામાં ઊભા રહેતાં ગરમીનો અનુભવ થતો હતો. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહી શકે છે.