રિપોર્ટ@સુરત: એક જ પરિવારના 4 સભ્યોની અંતિમયાત્રા કાઢવામાં આવી

એકની શોધખોળ ચાલુ છે
 
 રિપોર્ટ@સુરત: એક જ પરિવારના 4 સભ્યોની અંતિમયાત્રા કાઢવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતો હોય છે. નર્મદા જિલ્લાના પોઇચા ખાતે ફરવા આવેલા સુરતમાં એક જ સોસાયટીમાં રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતાં પાણીમાં ગરકાવ થયા હતા. બચાવો બચાવોની બૂમો ઊઠતાં સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીમાં ત્રણ નાનાં બાળકો હતાં. સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા. જે બાદ તબક્કાવાર તેમના મૃતદેહો મળ્યા હતા. બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રોના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપતા છે. એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા હતા. રાત્રે જ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને ચારેયના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૂળ અમરેલીના અને સુરત ખાતે આવેલા સાનિયા હેમદ ગામ ખાતે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 18 જેટલા વ્યક્તિ ગત મંગળવારનાં રોજ નર્મદા નદીમાં નહાવા માટે આવ્યા હતા. જેમાં 7 જેટલા લોકો નર્મદા નદીના પાણીમાં ડૂબી ગયા હતા અને એકનો બચાવ થયો હતો. 72 કલાક થયા છતાં હજુ ડૂબેલા તમામ સભ્યોમાંથી 6ના મૃતદેહ મળ્યા છે. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપતા છે. જેની શોધખોળ ચાલુ છે. બુધવારે સવારે ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉં.15) સાંજે 4 વાગે ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.15) અને વ્રજ હિંમતભાઈ બલદાણીયાના મૃતદેહો મળી આવ્યા હતા. ગુરુવારે વધુ શોધખોળ કરતા સવારે મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા (ઉં.15), આરનવ ભરતભાઈ બલદાણીયા (ઉં.12), ભરતભાઈ મેઘાભાઈ બલદાણીયા (ઉં.45)ના મૃતદેહો મળી આવ્યા હતા. ગતરોજ એક જ દિવસમાં બે પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો. જેમાં શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદેરીયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી એન.ડી.આર.એફ અને રાજપીપળા નગરપાલિકા, ભરૂચ, વડોદરાની ફાયર ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી છે. NDRFના ઇન્સ્પેક્ટર આશુતોષ શ્રીમાલીએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી 6 મૃતદેહને શોધી, કેમ્પ ઉપર લાવ્યા છીએ. અમે પોઇચા પુલ સુધી તપાસ કરી રહ્યા છે. ડિપ કેમેરા લગાવી તપાસ કરવામાં આવી રહી છે. 500થી 800 મીટર સુધીની શોધખોળ ચાલુ છે. મળેલા મૃતદેહોનું રાજપીપળામાં પોસ્ટમોર્ટમ કરાવી સુરત ખાતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. વ્રજ હિંમતભાઈ બલદાણીયાનો બુધવારે સાંજે મળી ગયો હતો. જોકે તેને સુરત લાવવામાં આવ્યો ન હતો. દરમિયાન ગુરુવારે ભરતભાઈ અને તેના બે પુત્રના મૃતદેહ પણ મળી આવતા પોસ્ટમોર્ટમ બાદ પરિવાર રાત્રે 9.30 વાગ્યા આસપાસ સાનિયા હેમદ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં તેના ઘરે લઈને પહોંચ્યા હતા. મૃતદેહ આવે તે પહેલાં જ આખું ગામ એકઠું થઈ ગયું હતું. એક જ પરિવારના ચાર સભ્યોના એક સાથે મૃતદેહ જોઈને સૌ કોઈની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.

છેલ્લા ત્રણ દિવસથી પોતાના સ્વજનની રાહની ચિંતા અને રડી રડીને આખો પરિવાર અડધો થઈ ગયો છે. ત્યારે ચારેયના અંતિમ સંસ્કાર રાત્રે જ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાત્રે જ એક સાથે ચારેયની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ત્રણ શબવાહિનીમાં પિતા, બે પુત્ર અને ભત્રીજાની અંતિમયાત્રા સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી. જ્યાં ચારેયના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાત્રે પણ આખું ગામ સ્મશાન ખાતે દોડી આવ્યું હતું અને તમામની આંખોમાં આંસુ હતા.

ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ અગાઉ જ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરતભાઈ મેઘભાઈ બલદાણીયાએ ખૂબ જ આગેવાની તરીકે તમામ જવાબદારીઓ નીભાવી હતી. ભરતભાઈ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની અને સુરતમાં વર્ષોથી વસવાટ કરતા હતા. તેઓ મોજા બનાવવાનું કારખાનું ધરાવતા હતા. છેલ્લા 10 વર્ષથી તેઓ કિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા હતા. ભરતભાઈ સોસાયટીના આગેવાન તરીકે જવાબદારી નિભાવે છે. ભરતભાઈ શ્રી ગોપી કૃષ્ણ મંડળ પણ ચલાવે છે. આ દુર્ઘટનામાં ભરતભાઈ, તેના બંને પુત્રો અને તેના મોટાભાઈના એકના એક પુત્ર પણ લાપતા હતો. ભરતભાઈને એક અઢી વર્ષની દીકરી છે. જ્યારે તેના ભાઈને બે દીકરીઓ પણ છે. બલદાણીયા પરિવારના એક સાથે ચાર સભ્યોના મોત થતા ઘરમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.

આ ઘટનામાં નર્મદા નદીમાં ડૂબી મોતને ભેટેલા ભરતભાઈ બલદાણીયાના પુત્ર મૈત્રક્ષે ચાર દિવસ પહેલા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં 87 ટકા મેળવ્યા હતા. મૈત્રક્ષ જ્ઞાનગંગા સ્કૂલમાં ટોપ 10માં આવ્યો હતો. મૈત્રક્ષના સારા ટકા આવતા ધો. 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હતો. મૈત્રક્ષની સ્કૂલ ચાલુ હતી પરંતુ મમ્મી-પપ્પા અને ભાઈ જઈ રહ્યા હોય પોતે જોડાયો હતો. આ આખી ઘટનામાં બલદાણીયા પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા છે. હવે પરિવારમાં વૃદ્ધ પિતા મેઘાભાઈ છે. તેમણે પોતાનો એક પુત્ર, તેના બે પુત્ર અને બીજા પુત્રના પુત્રને ગુમાવ્યો છે. જ્યારે હવે આ પરિવારમાં વૃદ્ધ મેઘભાઇ, ભરતભાઈની પત્ની, એક દીકરી અને હિંમતભાઈ તેની પત્ની અને બે દીકરી જ બચી છે. પરિવારે કુલ દીપકોને ગુમાવતા શોકની કાલિમા છવાઇ ગઇ છે.