રિપોર્ટ@ગુજરાત: CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી યુવતી હાઈકોર્ટ પહોંચી, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતી આજે અચાનક જ ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી. થોડા દિવસો પહેલા જ રાજીવ મોદીને ક્લીનચીટ મળી હતી, ત્યારે હવે યુવતી ફરી એકવાર હાઈકોર્ટમાં હાજર થતાં જ કેસમાં વળાંક આવ્યો છે. અગાઉ ફરિયાદ નોંધવનારી યુવતી 24 જાન્યુઆરીથી ગાયબ હતી, જેની ફરિયાદ યુવતીના વકિલે પણ લખાવી હતી.
હવે ગુમ થયાના 34 દિવસ બાદ આજે યુવતી હાઈકોર્ટમાં હાજર થઈ છે.
અગાઉ કેસની તપાસ ગુજરાત હાઇકોર્ટની સુચનાથી એડીશન પોલીસ કમિશનર સેક્ટર-1ના અધ્યક્ષ સ્થાને તૈયાર કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે ફરિયાદમાં લગાવવામાં આવેલા આક્ષેપને લગતા પુરાવા મળ્યા નહોતા. સાથે સાથે કેસની તપાસને લગતી કેટલીક બાબતો પર ચકાસવા માટે ફરિયાદી યુવતીનું નિવેદન લેવું જરૂરી હતું. જો કે આઠ-આઠ જેટલા સમન્સ બાદ પણ તે હાજર થઇ નહોતી. જેના પગલે એસઆઇટી દ્વારા કોર્ટમાં એ સમરી ફાઇલ કરવામાં આવતા સમગ્ર કેસમાં આક્ષેપ સાબિત ન થતા રાજીવ મોદીને કેસમાં લગભગ ક્લીનચીટ મળતા કેસમાં મહત્વનો વળાંક આવ્યો હતો.
કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને સોંપવા હાઇકોર્ટે આપી હતી સુચના :
આ કેસની તપાસ કરી રહેલી ટીમ દ્વારા કોર્ટમાં એ સમરી ફાઇલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદના આક્ષેપોને લગતા પુરાવા ન મળવાની સાથે યુવતી અનેક સમન્સ બાદ પણ નિવેદન માટે એસઆઇટી સમક્ષ હાજર થઇ નહોતી. આમ, એ સમરીમાં રાજીવ મોદી પર લગાવેલા આક્ષેપ પુરવાર ન થતા હોવાથી તેમને ક્લીન ચીટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બલ્ગેરિયન યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ ફરિયાદ દાખલ ન થતા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની સુચનાની સાથે કેસની તપાસ સિનિયર આઇપીએસ અધિકારીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને સોંપવાની સુચના આપી હતી.