રિપોર્ટ@સુરત: ચોરીના ઈરાદે ધાડ પાડી આધેડની હત્યા કરનાર 2 આરોપીને પોલીસે ઝડપ્યા

આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા
 
રિપોર્ટ@સુરત: ચોરીના ઈરાદે ધાડ પાડી આધેડની હત્યા કરનાર 2 આરોપીને પોલીસે ઝડપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરી,લુંટફાટ, બળત્કાર અને મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી એક ગુનાઓ સામે આવતા હોય છે.  સુરતના ડુમસ સ્થિત કાંદી ફળિયામાં ત્રણ-ચાર કરોડની લૂંટના ઈરાદે ધાડ પાડી આધેડની હત્યા કરવાના ચકચારી ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રથી વેશ પલટો કરીને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ સ્થિત કાંદી ફળિયામાં ગત તા. 2 એપ્રિલ 2021ના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રિના અરસામાં આઠેક શખ્સોએ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી. રોબરી વિથ મર્ડરના આ ચકચારી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વેશ પલટો કરીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્રન (ઉ.34) અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંગ પાનીગ્રાહી (ઉ.35) ને ઝડપી પાડ્યા હતા.


પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ત્રણેક વર્ષ પહેલા આરોપી જોશુઆ ઉર્ફે અન્ના, સુશાંત ઉર્ફે લંબુ બન્ને થાણે સ્થિત કલ્યાણ ખાતે મળ્યા હતા. ત્યારે જોશુઆ ઉર્ફે અન્નાએ જણાવ્યું હતું કે, મારા મિત્ર વિશાલ તથા તેના સાગરીતો મારી પાસે આવ્યા હતા અને તેમણે સુરતના ડુમસ ખાતે જમીન વેચાણમાં ત્રણ-ચાર કરોડ એક બંગલામાં પડેલા છે અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે. આ બંગલામાં રહેતો શખ્સ તેના ઘરમાં એકલો જ રહે છે વગેરે વાત કરી હતી. જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈને ભાડાની ટેક્સીમાં સુરત આવ્યા હતા.


દરમિયાન થોડા દિવસ રોકાઈને ડુમસ વિસ્તારમાં જે બંગલામાં ધાડ પાડવાની હતી તેના માટે પોતાની પાસે કોઈ વાહનો ન હોવાથી પોતાના સાગરીતો સાથે મળીને પુણા વિસ્તારમાંથી બે બાઈકની ચોરી કરી હતી અને પોતાના સાગરિત વિશાલને જે મહિલાએ આ લૂંટ કરવાની ટીપ આપી હતી તેને મળવા માટે ચોરીની બાઈક લઇ બંગલાની રેકી પણ કરી હતી.


ત્યારબાદ એક દિવસ મધ્યરાત્રિના આરોપીઓ પોતાના સાગરીતો સાથે મળી કુલ 8 શખ્સો બંગલામાં લૂંટ કરવા માટે ટીપ આપનાર મહિલાના ઘરની પાછળનો દરવાજો ખોલી તેના મકાનની દીવાલ કુદી બાજુના મકાનના વાડામાં ઘુસી મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડી તે ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન આધેડ જાગી જતા તેના લમણે પિસ્ટલ તાકી તથા ચાદર વડે મોઢું દબાવી દોરી વડે હાથ પગ બાંધી દીધા હતા અને તેની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી 4 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા જેમાં પોતાના હિસ્સે 50-50 હજાર રૂપિયા આવ્યા હતા.


પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે વાંગણી હાઈવે પર એક બંગલામાંથી રૂપિયા 160 કરોડની લૂંટની યોજના બનાવી હતી. જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓએ સુરતના ડુમસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો. વધુમાં આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અગાઉ 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.