રિપોર્ટ@રાજકોટ: મહાનગરપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનુ વધુ એક કૌભાંડ સામે
રાજકોટમાં 3 માળની જય કિશન સ્કૂલ દોઢ વર્ષથી BU-ફાયર NOC વિના ધમધમે છે, 600 વિદ્યાર્થીના જીવ જોખમમાં; સાગઠિયાનું વધુ એક કારસ્તાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક કૌભાંડ સામે આવતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનુ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.. શહેરના મવડી વિસ્તારમાં આવેલી જય કિશન સ્કૂલનુ નવું બિલ્ડિંગ બીયુ કે કમ્પ્લિશન સર્ટિફિકેટ વગર ધમધમતું હોવાનુ સામે આવ્યુ.. હાલના આસિસ્ટન્ટ ટીપીઓએ સ્કૂલના નળ અને લાઈટ કનેક્શન કાપી કાર્યવાહી કરવાની વાત કરી.
રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સાગઠિયા હાલ જેલમાં છે. ત્યારે શહેરના મવડીમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટી શેરી નંબર 16માં આવેલી જય કિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદે ધમધમતું હોવાનું સામે આવ્યું છે. એમાં સ્કૂલ-સંચાલક મિલન વેકરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લિશન સર્ટિફિકેટ ઉપરાંત ફાયર એનઓસી મેળવવામાં આવ્યાં ન હતાં. આમ છતાં અહીં 600 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરતા હોવાથી તેમના જીવ ઉપર જોખમમાં છે.
સૂચિત જગ્યા ઉપર ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવતાં જ સૌ પ્રથમ આ સ્કૂલમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવશે. આ ઉપરાંત ગેરકાયદે બિલ્ડિંગમાં ધમધમતું શિક્ષણકાર્ય બંધ કરાવવામાં આવશે. બાદમાં બિલ્ડિંગ ડિમોલિશન કરવામાં આવશે.
જય કિશન સ્કૂલને વર્ષ 23 મે, 2023માં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ 260 (2) મુજબ તોડી પાડવા માટે નોટિસ આપી હતી અને ત્યાર બાદ સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ અપાયો હતો. જોકે બાદમાં છેલ્લા દોઢ વર્ષથી કાર્યવાહી કરવામા આવી નથી. આ મામલે જ્યારે મીડિયાની ટીમ સ્કૂલ પર પહોંચી તો સ્કૂલ સંચાલકો દ્વારા એવો રુઆબ કરવામાં આવ્યો કે મવડી પ્લોટ સૂચિતમાં છે અને એમાં ઘણી બધી સોસાયટીઓ ગેરકાયદે રીતે ધમધમી રહી છે, એટલે કે પોતાનું ગેરકાયદે બાંધકામ હોવા છતાં પોતે જાણે રાજકીય ઓથ ધરાવતા હોય એમ શેખી મારી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર શૈલેષ સીતાપરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મવડીમાં આવેલી જય કિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદે રીતે ધમધમી રહ્યું છે, જે અમારા ધ્યાને આવ્યું છે. એમાં મહાનગરપાલિકાની બિલ્ડિંગ યુઝ પરમિશન લેવામાં આવી નથી અને સર્ટિફિકેટ પણ લીધું નથી, એટલે કે પ્લાન પાસ કરાવેલો નથી. આ વાત ધ્યાનમાં આવતાં અમને ખ્યાલ આવ્યો કે વર્ષ 2023માં ગેરકાયદે બાંધકામ બાબતે આ સ્કૂલને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હવે આ વાત ધ્યાને આવી છે તો સૌપ્રથમ અહીંનું નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવા તથા શિક્ષણકાર્ય બંધ કરવા માટે પણ પત્ર લખવામાં આવશે. બાદમાં એ મકાનનું ડિમોલિશન કરવામાં આવશે.
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે જય કિશન સ્કૂલના નવા બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ હોવા છતાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ બાબત મીડિયાના માધ્યમથી મને જાણવા મળી છે. પ્રાથમિક તબક્કે એવો ખ્યાલ આવ્યો છે કે આ બિલ્ડિંગ જે.કે. એકેડેમીના નામે ચાલે છે. જોકે શિક્ષણ વિભાગની ટીમને સ્થળ તપાસ માટે મોકલવામાં આવી છે, એનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણીએ જણાવ્યું હતું કે, મવડીમાં આવેલી જય કિશન સ્કૂલ બાંધકામની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કાર્યરત છે. 260/2 મૂજબ બાંધકામને તોડી પાડવા માટે ગત તા. 23 મે 2023ના નોટિસ આપવામાં આવી હતી. જોકે, અહીં બાંધકામ હજુ સુધી દૂર ન થતા હવે ફરી વખત નોટિસ આપવામાં આવશે. આ બિલ્ડિંગની બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવવામાં આવી નથી. જેથી સૌપ્રથમ આ બિલ્ડિંગમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવશે અને ડ્રેનેજ લાઇન કાપવામાં આવશે. બાદમાં આ બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવશે. જોકે, એકલા વેસ્ટ ઝોનમાં 260/2 મૂજબ બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હોય તેવી 50 બિલ્ડિંગ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સ્કૂલના માલિક કોણ છે તે બાબતે તેઓ અજાણ હોવાનુ સામે આવતા આશ્ચર્ય જન્મ્યું છે.