રિપોર્ટ@ગુજરાત: રેલવે ટ્રેક પર 2 સિંહો આવી જતાં ટ્રેન અડધો કલાક રોકવી પડી
વન વિભાગ દ્વારા આ બંને સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અડધો કલાકના વિરામ પછી અમરેલી જતી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
Oct 4, 2024, 11:45 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. જૂનાગઢથી અમરેલી જતી ટ્રેન જૂનાગઢના તોરણિયા નજીક અડધો કલાક રોકવામાં આવી હતી. આ ટ્રેન રોકવાનું કારણ એ હતું કે રેલવે ટ્રેક નજીક 2 સિંહો આવી ચડતાં ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રેનને રોકી દીધી હતી.
ત્યારે ટ્રેનમાં સવાર મુસાફરો ટ્રેન રોકાતા નીચે ઊતરી સિંહના વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. રેલવે ટ્રેક નજીક સિંહ આવી ચડ્યાની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક જૂનાગઢના તોરણિયા પહોંચ્યો હતો.
વન વિભાગ દ્વારા આ બંને સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અડધો કલાકના વિરામ પછી અમરેલી જતી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.