રિપોર્ટ@ગુજરાત: ફાયરીંગમાં ઈજાગ્રસ્ત થયેલ યુવકનું 15 દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું

ફાયરિંગ કરી ગાડી લઈ ઇસમો ફરાર
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મારીની ઘટનાઓ સામે આવતી હોય છે.  સાણંદ-વિરમગામ હાઇવે પર આવેલ છારોડી સ્ટેશન સામે જીઆઇડીસી ગેટ નંબર-2 પાસે હાઈવે ઉપર મિત્ર સાથે ઉભા રહેલા કડીના 22 વર્ષીય યુવક સાથે અગાઉ સગાઈ કરેલ યુવતીના ભાઈ અને અન્ય ઈસમોએ એકાએક ગાડીમાં આવી ફાયરિંગ કરી ગાડી લઈ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે એકાએક આ સમાચાર કડી પંથકમાં પસરી જતા પંથકની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ફાયરિંગની ઘટનામાં યુવકને ઇજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો હતો. પોલીસે ફાયરિંગ કરનાર શખ્સો ઉપર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં રહેતા દિલાવરખાન પઠાણ જેના એકના એક પુત્ર ફરદિન ઉર્ફે સુલતાન પઠાણ ઉંમર વર્ષ 22ની સગાઈ અરમાન ફકીર મહંમદ કુરેશીની બહેન સાથે થોડાક વર્ષ અગાઉ સગાઈ થઈ હતી. સગાઈ બે વર્ષ સુધી રહી હતી, પરંતુ યુવક અને યુવતી વચ્ચે કોઈ કારણોસર મતભેદ થતાં સગાઈ તૂટી ગઈ હતી. ફરદીન પઠાન 5 માર્ચ મંગળવારના રોજ તેના મિત્ર સાથે ગાડીમાં તેના મિત્રો સાથે છારોડી સ્ટેશન પાસે કાર લઈને હાઇવે ઉપર ઉભો હતો. તે સમયે અરમાન ફકીર મહંમદ કુરેશી (રહે. કડી), આરીફ (રહે.વિરોચનગર) તેમજ અન્ય શખ્સો કારમાં તે જગ્યાએ આવ્યા હતા અને ફરદીન પઠાણ સાથે અરમાન ફકીર મહંમદ કુરેશી વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન ફરદીન પર ફાયરિંગ કરી ગાડી લઈ ઇસમો ફરાર થઈ ગયા હતા.

છારોડી હાઇવે ઉપર કડીના યુવક ઉપર ફાયરિંગ થતાં ઘટના સ્થળે અમદાવાદ એલસીબી, એસઓજી તેમજ સાણંદ પોલીસ ડીવાયએસપી સહીતનો કાફલો આવી પહોંચ્યો હતો. તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. જે દરમિયાન ફરદિનને ઇજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ બોપલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો હતો અને વધુ સારવાર માટે તેને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો હતો. અરમાન કુરેશીની બહેન સાથે ફરદીન ઉર્ફે સુલતાન પઠાણની સગાઈ થઈ હતી અને આજથી ત્રણ માસ અગાઉ સગાઈ તૂટી ગયેલી હતી. જે બાબતનું મન દુઃખ રાખીને ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી હતી.

કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં રહેતા ફરદીન પઠાણ ઉપર આજથી 15 દિવસ પૂર્વે સગાઈ તૂટવાનું વેર રાખી યુવતીના ભાઈએ દેશી તમંચો (બંદૂક)થી ફાયરિંગ કર્યું હતું. જે બાબતે યુવકના પિતાએ સાણંદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ફરદીનની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. ત્યારે 15 દિવસ બાદ સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજતા પરિવારમાં શોક પસરી ગયો હતો. યુવકના મોતના સમાચાર એકાએક કડી પંથકમાં પસરી જતા સગા-સંબંધીઓ તેમજ મિત્રો યુવકના ઘરે આવી પહોંચ્યા હતા.

આ ઘટનાને લઇ મહેસાણા એલસીબી, એસઓજી, કડી પોલીસનો સ્ટાફ નાની કડી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. મંગળવારે સાંજના સમયે યુવકની લાશ તેના ઘરે લાવવામાં આવેલી હતી. મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ તેમજ સ્નેહીઓ યુવકના ઘરે આવી પહોંચ્યા હતા અને રાત્રે 11:00 વાગ્યાના અરસામાં યુવકની સ્મશાન યાત્રા નીકળવામાં આવેલી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો સ્મશાનયાત્રામાં જોડાયા હતા. એકના એક પુત્રનું કરુણ મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યું હતું.