રિપોર્ટ@જામનગર: તળાવનાં પાણીની ખુલ્લેઆમ ચોરીથી ભારે ચકચાર મચી

જામનગરમાં રૂ.30 કરોડના ખર્ચે તળાવના વિકાસનો બીજો પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં કયુરીંગ અને બાંધકામમાં જરૂરી પાણી માટે તળાવમાં પમ્પ મૂકી પાણી ખેંચવામાં આવ્યું
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  જામનગરમાં રૂ.30 કરોડના ખર્ચે તળાવના વિકાસનો બીજો પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં કયુરીંગ અને બાંધકામમાં જરૂરી પાણી માટે તળાવમાં પમ્પ મૂકી પાણી ખેંચવામાં આવી પાછલું તળાવ ખાલી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની સ્થિતિથી ભારે ચકચાર જાગી છે. ટેન્ડરમાં કોઇ જોગવાઇ ન હોવા છતાં ખુલ્લેઆમ પાણી ચોરીથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે મહાનગરપાલિકાના સતાધીશો અને અધિકારીઓ આ બાબતે અજાણ છે કે મીલીભગત છે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે.

જામનગરમાં રાજાશાહી વખતના શહેરની મધ્યમાં આવેલા તળાવનો પ્રથમ બ્યુટીફીકેશન પ્રોજેકટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો ત્યારે ભારે વિવાદ સાથે વિરોધ ઉઠ્યો હતો. હવે મહાનગરપાલિકા દ્વારા મીગકોલોનીના પાછલા તળાવના વિકાસ માટે રૂ.30 કરોડના ખર્ચે બીજો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જે શરૂઆતથી વિવાદમાં છે. કારણ કે, તળાવ ઉંડુ ઉતારવાની વાતો કરતી મહાપાલિકાએ ચોમાસા પહેલા તળાવ ખોદીને ઉંડુ ઉતારવાના બદલે બહારથી કેરણ-માટી લાવી તળાવમાં નાખી હતી.

ચોમાસામાં ભારે વરસાદ થતાં પાછલું તળાવ છલોછલ ભરાઇ ગયું હતું. ત્યારે હવે આ તળાવ ખાલી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોય તેમ જૂની આરટીઓ કચેરી પાસે તળાવના કાંઠે પાણી ખેંચવા માટે પમ્પ મૂકવામાં આવ્યો છે. આ પમ્પ દ્રારા તળાવમાંથી પાણી ખેંચી ટેન્કરોમાં ભરી તળાવના પ્રોજેકટમાં કયુરીંગ અને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જો કે, ટેન્ડરમાં આ પ્રકારની કોઇ જોગવાઇ નથી. આમ છતાં તળાવમાં પમ્પ મૂકી ખુલ્લેઆમ પાણી ચોરી કરવામાં આવતા અનેક શંકા અને સવાલો ઉઠ્યા છે.

તળાવમાં રહેતા જળચર જીવ પર ખતરો, શિયાળામાં આવતા પક્ષીઓનું શું? સળગતો સવાલ જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસેનું તળાવ ચોમાસામાં છલોછલ ભરાયું હતું. નવા પાણી સાથે અનેક માછલીઓ પણ આવી હતી. ત્યારે તળાવમાં પમ્પ મૂકી પાણી ખેંચી ખાલી કરવાના કારસ્તાનથી આ જળચર જીવો પર ખતરો ઉભો થયો છે. બીજી બાજુ શિયાળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દર શિયાળે તળાવમાં અનેક સ્થાનિક અને યાયાવર પક્ષીઓ આવે છે. ત્યારે જો પાણી નહીં હોય તો આ પક્ષીઓનું શું તે પણ સળગતો સવાલ બન્યો છે.

તળાવના પ્રોજેકટમાં બાંધકામમાં પાણી વપરાશ માટે બોરની જોગવાઇ છે, પમ્પ અંગે તપાસ કરાવું છું જામનગરમાં પાછલા તળાવના વિકાસ માટે રૂ.30 કરોડના ખર્ચે પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેના ટેન્ડરની જોગવાઇ મુજબ બાંધકામ અને કયુરીંગ માટે બોર કરી તેમાંથી પાણી ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ પમ્પ મૂકી તળાવમાંથી પાણી ખેંચવાની કોઇ જોગવાઇ નથી. આથી તળાવમાં પમ્પ મૂકી પાણી ખેંચવાની બાબત અંગે તપાસ કરાવું છું