રિપોર્ટ@ગુજરાત: રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. ત્યારે હવામાન વિભાગે ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરી હતી. જેના કારણે ખેડૂતોને ચિંતા થઇ હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેથી, ગુજરાતમાં તેની અસરોને લઈને 30 અને 31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતાઓ છે. આ સમયે હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધુ રહી શકે છે. વાતાવરણમાં એકાએક પલટો આવતો દેખાશે અને ધુમ્મસ પણ છવાયેલું રહી શકે છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આગામી દિવસોની આગાહી મુજબ 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છુટાછવાયા હળવા કમોસમી વરસાદી ઝાપટા વરસી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત વડોદરા, પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર ખંભાત, વિરમગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સહિત માવઠાના વરસાદ વરસે શકે છે. જેથી, ખેડૂતોએ અગમચેતીના પગલાં લેવાથી મોટા નુકસાનથી બચી શકાશે.
હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે કારણ કે, ઉત્તર ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે તથા વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. રાજ્યમાં 3, 4 અને 5 જાન્યુઆરી દરમિયાન ખેડૂતો માટે અશુભ દિવસો થઈ શકે છે કારણ કે, આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે જેમાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.
આગાહી મુજબ ઉત્તર ભારતના વિસ્તારો પરથી સતત વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં અસર કરશે તથા તેની અસરો ગુજરાત ઉપર પણ થવાની સંપૂર્ણ સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતાઓ છે પરંતુ, સૌથી વધુ તીવ્રતા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની અસર રહેશે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય છુટાછવાયા હળવા વરસાદી જ આપતા વરસી શકે છે પરંતુ, વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સિવાય આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરાના ભાગોમાં 4 ફેબ્રુઆરીના રોજ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. તદુપરાંત મહા મહિનામાં દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને રાજકોટમાં પણ 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન છુટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે એવી શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં આવેલા અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઘટ્ટ વાદળો છવાયેલા રહી શકે છે તથા કોઈક વિસ્તારમાં ખૂબ જ હળવું વરસાદી ઝાપટું પણ આવી શકે છે. તદુપરાંત દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, સુરત અને વલસાડના ભાગોમાં 5 ફેબ્રુઆરીના રોજ હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે એટલે કે ફેબ્રુઆરી માસનું પહેલુ અઠવાડિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણને લઈને અસ્તવ્યસ્ત જોવા મળી શકે છે. આ વાતાવરણ ખેડૂતોમાં ચિંતા ઉપજાવી શકે છે એટલે પહેલેથી જ સાવધાની રાખવાથી પાકને થતું નુકસાન મહદંશે ઘટાડી શકાય છે.