રીપોર્ટ@ટીડકી: મનરેગાના કામો કાગળ ઉપર કરી ઉપાડી લીધું, ભાંડો ફૂટતાં કામ કરવા દોડધામ

બીજા રિપોર્ટમાં સમજીએ આ કૌભાંડના મૂળિયા
 
રીપોર્ટ@ટીડકી: મનરેગાના કામો કાગળ ઉપર કરી ઉપાડી લીધું, ભાંડો ફૂટતાં કામ કરવા દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ગણપતભાઈ રાઠવા

દેવગઢબારિયા તાલુકાના જંબુસર બાદ વધુ એક ગામમાં મનરેગાના ભ્રષ્ટાચારનો મોટો રીપોર્ટ સામે આવ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી અને ગામેગામ સભાઓ શરૂ થઈ હોવાથી જે લાભાર્થીઓ છેતરાયા હોય તે જાગૃત થયા છે. બારીયા તાલુકાના ટીડકી ગામમાં મનરેગાના કૂવા કામનું બારોબારીયુ થયું હોવાનો ભાંડો ફૂટતાં મામલો ગરમાયો છે. જે તે વખતના સરપંચ, જીઆરએસ અને ટેકનિકલની જવાબદારી આવતી હોઈ હવે બરોબરના બચાવની મથામણમાં લાગ્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ટીડકી ગામમાં વર્ષ 2019-20 દરમ્યાન અનેક કામો મનરેગા હેઠળ કરવામાં આવ્યા હોવાનું સરકારી ચોપડે છે. જાહેર કામો તો ઠીક પરંતુ વ્યક્તિગત લાભાર્થીના કામો પણ કાગળ ઉપર બતાવી ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણતાં લાભાર્થીઓ સાથે ગામલોકો પણ ચોંકી ઉઠ્યા છે. ગામનાં કાળુભાઇ બારીયાનો ગૃપ કૂવો કાગળ ઉપર બતાવી નાણાં ઉપાડી લીધા પરંતુ હાલમાં આ ભાંડો ફૂટતાં જવાબદારો દોડતાં થયા છે. ગામનાં એક અરજદારે સમગ્ર મામલો બહાર લાવવાની કોશિશ કરતાં લાભાર્થી બરોબરના રોષે ભરાયાં છે. હવે થયું એવું કે, અન્ય લાભાર્થીઓ પણ ઉભા ના થાય અને વધુ કાંડ બહાર ના આવે તે માટે જવાબદારો તાત્કાલિક અસરથી કાળુભાઇનો કૂવો બનાવવા દોડાદોડ કરી રહ્યા છે. 


સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગા હેઠળના આ કાગળ ઉપરના કૂવાનો કાંડ ઢાંકી દેવા તત્કાલીન સરપંચ અને તેમના પતિ માનમવસિંહે તાત્કાલિક ગૃપવેલ બનાવવા શરૂ કર્યો છે‌. હવે અહીં જાણો કે, કાગળ ઉપર કૂવો કરી તેના સરકારી નાણાં કોઈ ખાઈ ગયું તે તપાસનો વિષય છે પરંતુ હવે કાગળ ઉપરના કૂવાને જમીન ઉપર અસલી કરવાનો ખર્ચ તત્કાલીન સરપંચ ઉઠાવી રહ્યા છે. હવે બીજા રિપોર્ટમાં સમજીએ આ કૌભાંડના મૂળિયા.