રિપોર્ટ@સુરત: યુવકે વ્યાજખોરોનાં ત્રાસે કંટાળી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કર્યો

આરોપીની ધરપકડ કરવામાં આવી
 
રિપોર્ટ@સુરત: યુવકે વ્યાજખોરોનાં  ત્રાસે કંટાળી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાનો બનાવ સામે આવતો હોય છે.  સુરતના પુણા વિસ્તારમાં એક યુવકે વ્યાજે રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વિશાલ ભાલાળા નામના શખસને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


વ્યાજખોરોના આતંકને નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ આ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વ્યાજખોરોના કારણે વધુ એક પરિવારનો દિપક બુઝાઈ ગયો છે. સુરત શહેરના પુણા પોલીસની હદમાં રહેતા ઋષિત નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભાલાળા પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ ઋષિત પાસે વ્યાજખોર મિત્ર વિશાલ સતત પઠાણી ઉઘરાણી કરતો હતો. અને મારી નાખવાની ધમકી તેમજ ગાળો આપતો હતો. જેને લઇને ઋષિત ત્રાસી ગયો હતો અને તેને જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું.


ઋષિતે સુસાઇડ કરતા પહેલાં માતા-પિતા, બહેન અને બનેવીને સંબોધી સુસાઇડ નોટ લખી હતી. જેમાં વિશાલ ભાલાળા દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તેનો તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. વ્યાજ ઉપર જેટલા રૂપિયા લીધા હતા તેની તમામ વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. વિશાલ ફોન ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. એક વર્ષથી તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. ઋષિતે એવું પણ લખ્યું કે, મારા મોતના જવાબદાર વિશાલને સજા કરવામાં આવે નહીંતર તે અન્ય લોકોને પણ આવી જ રીતે હેરાન કરશે. ઋષિતે તે સુસાઇડ નોટમાં માતા-પિતાની માફી માગી વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યો હોવાનું દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.


ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, વ્યાજખોર મિત્રના ત્રાસથી કંટાળી ગયેલા યુવકે સુસાઇડ નોટ લખી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને જીવનનો અંત આણ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પુણા પોલીસને કરવામાં આવાત આરોપી વિશાલ ભાલાળા વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. ત્યારે જુવાનજોધ દીકરોએ વ્યાજખોર મિત્રના ત્રાસથી આ પ્રકારનું પગલું ભરતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે.