રિપોર્ટ@ગુજરાત: પતિના ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાત કર્યો

ખોટો વહેમ રાખી અવારનવાર ઝઘડો અને મારઝૂડ કરતો હતો.
 
 રિપોર્ટ@ગુજરાત: પતિના ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાત કર્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. ચુડા આંબેડકરનગર-2માં રહેતાં પત્નીએ વર્ષો‌ સુધી પતિનો શંકાશીલ સ્વભાવ અને શારીરિક માનસિક ત્રાસ સહન કર્યો હતો. સહનશક્તિ ખુટી જતાં લગ્ન જીવનના 30 વર્ષ બાદ પત્નીએ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના ભાઈએ બનેવી સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રાજકોટ ગંજીવાડા પીટીસી મેઈન રોડ પર શેરી નં.૨માં રહેતાં મનુભાઈ રત્નાભાઈ વાઘેલાએ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે 30 વર્ષ પહેલાં મોટાબહેન હંસાબેનના લગ્ન ચુડા આંબેડકરનગર-2માં રહેતાં છગન વાઘજીભાઈ મકવાણા સાથે થયા હતા. બનેવી છગન શંકાશીલ સ્વભાવનો હતો. હંસાબેન પર ખોટો વહેમ રાખી અવારનવાર ઝઘડો અને મારઝૂડ કરતો હતો.

થોડા વર્ષો પહેલાં પતિના ત્રાસથી કંટાળીને હંસાબેને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અમે તેમને રાજકોટ લઈ આવ્યા હતા. 2 વર્ષ સુધી હંસાબેન રાજકોટ રિસામણે રહ્યા હતા. દોઢ વર્ષ પહેલાં સાસરિયાં હંસાબેનને મનાવીને ચુડા તેડી ગયા હતા. છતાં હંસાબેન અને છગન વચ્ચે બનતું નહોતું. હંસાબેન તેમના પુત્ર સાથે પહેલાં રાજકોટ અને ત્યાંથી હળવદ રહેવા જતા રહ્યા હતા. અઠવાડિયા પહેલાં સાસુની તબિયત લથડતાં હંસાબેન તેમની સેવા ચાકરી કરવા માટે ચુડા આવ્યા હતા. છતાંય બનેવીના વહેમીલો સ્વભાવ બદલાયો નહોતો.

તા.22 માર્ચે બપોરે લગ્નના 30 વર્ષ સુધી પતિનો શારીરિક, માનસિક ત્રાસ સહન કર્યા બાદ કંટાળીને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને હંસાબેને ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં અમે પિયર પક્ષના લોકો ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. બનેવી છગન મકવાણા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ રાતે 11 વાગ્યે બહેનનો મૃતદેહને સ્વિકાર્યો હતો.